એક પોલીસ કર્મચારી પણ સફેદ માટીના ખાણમાં ભાગીદાર હોવાની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજની સંપતિને ખનિજ માફીયાઓ ધોળા દિવસે લૂંટી રહ્યા છે અને આ બાબતની રજૂઆત પણ અનેક વખત કરાઈ છતાં તંત્રના અધિકારીઓને પેટનું પાણીય ડગતું નથી અને મોટાભાગે તંત્રના કર્મચારીઓ જ આ ગેરકાયદેસર ખાણમાં ક્યાંકને ક્યાંક ભાગીદાર હોવાનું ફરિયાદો ઉઠે છે. ત્યારે મૂળી તાલુકાના દુધઈ ગામે નદીના કાઠે રાત્રીના સમયે સરકારી જમીન પર સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા મૂળી મામલતદારને જાણ કરાઈ હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં થતા બેફામ ચલાવતા સફેદ માટીના ખનિજ માફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. દુધઈ ગામના સર્વે નંબર 283 અને સરકારી જમીન પર ખાણ કરનાર બાજુના વાડી માલિક અને કળમાદ ગામના પોલીસ કર્મચારી ભાગીદાર હોવાનો આક્ષેપ કરાયો હતો. આ બંને સાથે મળી આજદિન સુધી સરકારી જમીનમાંથી આશરે 500 જેટલા ટ્રકમાં વીસ હજાર ટન જેટલી સફેદ માટીને મોરબી સિરામિક ઉભોગમાં મોકલવામાં આવી છે જેથી દુધઈ ગામના સરપંચ દ્વારા સફેદ માટીના ખનન અંગે સરકારી જમીનની માપણી કરી ગેરકાયદેસર ખનન કરનાર પોલીસ કર્મચારી સહિત બંને ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવા ચોટીલા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે.



