શ્યામજીભાઈ ચૌહાણે ગેરકાયદે કોલસાના ખાણમાં તંત્રને જવાબદાર ગણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ખનિજ ભરપૂર માત્રામાં મળી આવે છે તે પ્રકારે અહીં સૌરાષ્ટ્રના મોટા ખનિજ માફીયાઓ પણ જિલ્લાની આજુબાજુ જ ગોળ નજીક માખી બણબણે તે પ્રકારે જોવા મળે છે. જિલ્લાના મુખ્યત્વે મોટી ખનિજ ચોરી તરીકે કોલસાની થઈ રહી છે. જેમાં થાનગઢ પંથકમાં સૌથી શ્રેષ્ઠ ક્વોલિટીનો કોલસો મળી આવતા અહીં ઠેર ઠેર કોલસાની ગેરકાયદેસર ખાણો જોવા મળે છે. થાનગઢના મામલતદાર કચેરીથી માત્ર એકાદ કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા મોટો દરોડો કરી અંદાજે 150થી વધુ ગેરકાયદેસર કોલસાના કુઆ ઝડપી પાડ્યા હતા જ્યારે આ મામલે ચોટીલા વિભાનસભાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ સાથે એક ખાનગી ચેનલને ડિબેટમા ધારાસભ્યે પણ તંત્રની પોલ ખોલી નાખી હતી ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે થાનગઢ પંથકમાં થતી કોલસાની ખનિજ ચોરીમાં તંત્ર જ જવાબદાર છે ખાણ ખનિજ વિભાગ, સ્થાનિક પોલીસ અને મામલતદાર કચેરીનો સ્ટાફ આ ખનિજ ચોરીના હપ્તા વસૂલી કરતા હોવાના લીધે ખનિજ માફિયાઓને પ્રોત્સાહન મળે છે જોકે ધારાસભ્યે પોતે જ અગાઉ આ મામલે ગાંધીનગર રજૂઆત કરી હતી જેના લીધે ખાણ ખનિજ વિભાગના સ્ટાફની સામૂહિક બદલી કરાઈ હતી પરંતુ છતાં હજુય કોલસાની ખનિજ ચોરી અટકી નથી. જેથી ફરી એક વખત ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતની જાણ કરી ગંભીર પગલા ભરવાની રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
ત્યારે મંગળવારે થાનગઢ પંથકના ભાડુલા અને જામવાડી ખાતે થયેલા મેગા દરોડા બાદ પણ તરણેતર, સોનગઢ, રાવરાણી, ખાખરાથળ, ગુગલિયાણા, વેલાળા (સા), કાનપર, રૂપાવટી, મોરથળા સહિતના વિસ્તારોમાં હજુય ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે. ખનિજ માફીયાઓ આટલી મોટી કાર્યવાહી બાદ પણ તંત્રને જાણે પડકાર ફેંકતા હોય કે “રોક શકો તો રોકો” જેવો ઘાટ સર્જાયો છે. જેથી સ્પષ્ટ પણે આ ખનિજ માફિયાઓને શિરે રાજકીય પાઠની સાથે તંત્રના પણ ચાર હાથ હોય તેવા ધારાસભ્યના નિવેદનને કેટલાક અંશે સત્ય સાબિત કરી રહ્યા છે.
ચોટીલા પ્રાંતના મેગા દરોડા બાદ પણ ચાલતું બેફામ ખનન શું સાબિત કરે છે?
થાનગઢના ભાડુલા અને જામવાડી ખાતે મંગળવારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી હજારો ટન કોલસો અને લાખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી લીધો હતો પરંતુ હજુય તરણેતર, સોનગઢ, રાવરાણી, ખાખરાથળ, ગુગલિયાણા, વેલાળા (સા), કાનપર, રૂપાવટી, મોરથળા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમતી નજરે પડે છે. જેથી સ્પષ્ટ રીતે તંત્રના કેટલાક વિભાગ સાથે ધરોબો ધરાવતા ખનિજ માફિયાઓની સાંઠગાંઠ હોવાનું સાબિત થયું છે.
- Advertisement -
સ્થાનિક પોલીસ પર પણ ગંભીર આક્ષેપ !
રાજ્યના ડી.જી.પી દ્વારા કરાયેલ હુકમના પગલે સુરેન્દ્રનગર જિલ્લા અને સ્થાનિક પોલીસ ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા નથી કરી રહી પરંતુ તેનો ફાયદો ઉઠાવી કોલસાની ખાણો ચાલતા ખનિજ માફિયાઓને આખી ગોઠવણ પાડવામાં સક્ષમ છે સાથે જ ડી.જી.પીના હુકમ છતાં કેટલાક પોલીસ કર્મચારીઓ કોલસાની ખાણ આજુબાજુ પોતાની ડ્યુટી નિભાવતા હોવાનું પણ જગજાહેર છે.



