સિમેન્ટ – કોંક્રિટના જંગલો વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે શક્ય બન્યુ છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને રાજકોટવાસીઓને મળી એક વધુ ભેટ : ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના ૬૫ વર્ષની વયના ૨૩,૭૨૫ દિવસોને ધ્યાને લઈ ‘‘મિયાવાંકી ફોરેસ્ટ’’માં ૨૩,૭૨૫ વૃક્ષોનું કરાયું છે વાવેતર
Ø ‘આજી’ અને ‘ન્યારી’ એ રાજકોટની ઓળખ છે, આ બંને ડેમોની ડાઉન સ્ટ્રીમમાં જંગલો ઊભા કરીને રાજકોટને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે.
Ø કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનનું મહત્વ આપણને સમજાયું છે, તેવા સમયે શહેરીજનોને કુદરતી પ્રાણવાયુ મળી રહે તે માટેનું સુંદર કાર્ય થયું છે.
- Advertisement -
Ø રાજકોટના ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ લોકોને આત્મસંતોષ મળી રહે તે પ્રકારનું આયોજનબધ્ધ કાર્ય થઈ રહ્યું છે.
Ø ક્લાઈમેટ ચેન્જના પડકારને ઝીલી વધુ ને વધુ વૃક્ષોના વાવેતર થકી રાજકોટને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન – ક્લીન બનાવવા સંકલ્પબધ્ધ બનીએ.
રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
રાજકોટ, તા. ૨, ઓગસ્ટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે તેમના ૬૫ માં જન્મદિને રાજકોટ મહાનગરપાલિકા તથા સદ્દભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વૃક્ષરોપણ કરી ‘‘મિયાવાંકી ફોરેસ્ટ’’ રાજકોટના શહેરીજનોને અર્પણ કર્યું હતુ.
- Advertisement -
મુખ્યમંત્રી એ ‘‘ગ્રીન રાજકોટ’’ની પરિકલ્પનાને સાકાર કરતાં આ વન નિર્માણના કાર્ય બદલ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, ‘આજી’ અને ‘ન્યારી’ ડેમ એ રાજકોટની ઓળખ છે. તેને ધ્યાને લઈ આ બન્ને ડેમોની ડાઉન સ્ટ્રીમમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી સિમેન્ટ – કોંક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના જંગલ ઉભા કરવાનું અશક્ય કામ આજે શક્ય બન્યુ છે.
મુખ્યમંત્રી એ કહયું હતુ કે, કોરોનાના કપરા કાળમાં આપણને ઓકસીજનનું મહત્વ સમજાયું છે, તેવા સમયે રાજકોટના શહેરીજનોને કુદરતી પ્રાણવાયું પ્રાપ્ત થાય તે માટેનું સુંદર કાર્ય થયું છે. આ કાર્યમાં સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષોનું વાવેતર જ નહી, પરંતુ તેના ઉછેર માટે કરવામાં આવેલ કામગીરી અભિનંદનીય છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું હતુ કે, રાજકોટવાસીઓની લોકસુખાકારી માટે મહાનગરપાલિકા દ્વારા લોક સહકારથી અનેકવિધ પ્રાથમિક સુવિધાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, વિકસતા જતાં રાજકોટના ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ લોકોને આત્મસંતોષ મળી રહે તે પ્રકારનું કાર્ય થઈ રહયું છે. તેવા સમયે ક્લાઈમેટ ચેન્જના પડકારને ઝીલી વધુ ને વધુ વૃક્ષોના વાવેતર થકી રાજકોટને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન – ક્લીન બનાવવા પ્રત્યેક રાજકોટવાસીઓને સંકલ્પબધ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ના ૬૫ વર્ષની વયના ૨૩,૭૨૫ દિવસોને ધ્યાને લઈ રાજકોટની ભાગોળે આવેલા મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનતમ જગ્યાના મહતમ ઉપયોગ” કરી શુષ્ક અને પથરાળ જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ કરવા જુદીજુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વિગેરેની (૧૧૧) જાતના વૃક્ષોનું વાવેતર કરીને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી લોક સહકારના રૂપમાં “સદ્દભાવના વૃધ્ધાશ્રમ – ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમના પ્રારંભમાં કમિશ્નર અમિત અરોરાએ સ્વાગત તથા અંતમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, મેયર ડૉ.પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, બાગ-બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, રેન્જ આઇ.જી. સંદિપ સિન્હા, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાન ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


