મેંદરડામાં ભારતીય કિસાન સંઘનું સંમલન યોજાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
કેન્દ્ર સરકાર દ્વારા 18 સપ્ટેમ્બર 2024ના રોજ ઇકોસેન્સેટીવ ઝોનનું એક જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ હતુ. જેમાં જૂનાગઢ, ગિર-સોમનાથ અને અમરેલીના 196 ગામનો સમાવેશ કરવામાં આવતા ખેડૂત આગેવાનો સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઇકોઝોન નાબુદ કરવાનો વિરોધ વંટોળ શરૂ થયો છે. જેમાં રાજકીય પાર્ટી સહિત ભારતીય કિશાન સંઘ પણ મેદાનમાં આવ્યુ છે. ગત રોજના મેંદરડા ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા ઇકોઝોન વિરૂઘ્ધમાં ખેડૂત સંમેલન યોજાયુ હતુ.
- Advertisement -
ભારતીય કિશાન સંઘ નેજા હેઠળ મેંદરડાના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનમાં ઇકોઝોન નાબૂદ કરવા હુંકાર કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મેંદરડા, વિસાવદર, માળીયા હાટીના સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહીને ઇકો સેન્સેટીવ ઝોનને હટાવવા બુલંદ માંગણી કરવામાં આવી હતી. સંમેલન બાદ ખેડૂતોએ રેલી યોજીને મેંદરડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ભારતીય કિશાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યુ હતુ કે, ઇકોઝોનના વિરોધમાં આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની સાથે જેલભરો આંદોલન કરવાની જરૂર પડશે તો જેલ ભરો આંદોલન પણ કરીશુ અને દિવાળીના તહેવારોમાં કાળી ચૌદશના દિવસે 196 ગામમાં સામૂહિક રીતે ખેડૂતો દ્વારા ખાટલા પરિષદ યોજીને ઇકોઝોનનું પુતળાદહન કરીને વિરોધ કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી. હાલ 3 જિલ્લાના 196 ગામને ઇકોઝોનમાં સમાવિષ્ટ કરવાનું જાહેર થતા ઠેર-ઠેર વિરોધના વંટોળ શરૂ થયા છે અને ખેડૂતોમાં ભારે રોષ સાથે ઇકોઝોન નાબૂદ કરવાની બુલંદ માંગણી ઉઠવા પામી છે.



