વર્ષો જૂની ઇમારત જર્જરીત હાલતમાં હોય, ડિમોલીશન કરાશે તો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ
જનસેવા છાત્રાલય જરૂરિયાતમંદ બાળકો માટે છે નિ:શુલ્ક રહેવા જમવાની સુવિધા પૂરી પાડે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
દસાડા તાલુકામાં માલવણથી નાવીયાણી અને ખારાઘોડાથી ફુલકી રોડ સાઈડ પર દબાણ કરનારને સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા ત્રીજી અને આખરી નોટિસ ફટકારવામાં આવી છે અને 14 તારીખ સુધીમાં દબાણ દૂર કરવા માટે લેખિત સુચના પણ આપી દેવામાં આવી છે આશરે 150થી વધુ દબાણકર્તાને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં પાટડી વિરમગામ રોડ પર આવેલ જનસેવા છાત્રાલય જે રજવાડા સમયથી કાર્યરત છે.
પાટડી રાજવીના શાસનકાળમાં અંગ્રેજી શાળા તરીકે કાર્યરત હતી. જ્યાં જરૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને જનસેવા સાર્વજનિક છાત્રાલય તરીકે કાર્યરત છે. છાત્રાલયની કંપાઉન્ડ વોલ અને ભોજનાલયનો ભાગ દબાણમાં આવતો હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો ઉભો થવા પામ્યો છે. કારણ કે જો દિવાલ તોડવામાં આવે તો જૂની ઇમારત હોવાના કારણે અન્ય જગ્યાએ પણ નુકસાન થવાની શક્યતા છે. આથી જનસેવા છાત્રાલયના જવાબદાર વ્યક્તિ દ્વારા પાટડી પ્રાંત અધિકારીને વિનંતી પત્ર લખી આ કામગીરીને મૌફુક રાખવા માટે વિનંતી કરવામાં આવી છે મહત્વનું છે કે જનસેવા છાત્રાલય રજવાડા સમયથી જૂનું બાંધકામ ધરાવે છે. હાલમાં નવું બાંધકામ કરવામાં આવેલ નથી આથી દબાણ પ્રક્રિયામાંથી બાકાત રાખવા લેખિત વિનંતી કરવામાં આવી છે.