કોલીખડા ખાતે સ્થળાંતરીત કરેલા આશ્રિતો માટે ભોજન અને આરોગ્યની ચકાસણી કરવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
- Advertisement -
પોરબંદર જિલ્લા પ્રભારી સચિવ રણજીથકુમાર અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે સતત પડી રહેલા વરસાદની સ્થિતિમાં ગ્રામ્ય પંથકમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર સતત સતર્ક અને સાવચેત છે. ગ્રામ્ય પંથકમાં લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લા પ્રભારી સચિવ રણજીથકુમાર અતિ ભારે વરસાદની સ્થિતિમાં ગઈકાલથી જ પોરબંદર જિલ્લામાં આવી પહોંચ્યા છે ત્યારે પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામ્ય પંથકમાં અસરગ્રસ્તોની મુલાકાત કરી હતી.કોલીખડા ગામ ખાતે સ્થળાંતરીત કરેલા આશ્રિતોની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સ્થળાંતરીતો માટે ભોજનની પૂરતી વ્યવસ્થા કરવા તથા તેઓના આરોગ્યની ચકાસણી કરવા સૂચના આપી હતી. આ તકે આયોજન અધિકારી જે.સી. ઠાકોર, મામલતદાર આર.કે. ચૌધરી, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.