ખાનગીમાં મોટા પાયે બાળલગ્ન થતા હોવાની આશંકા: પ્રગતિશીલ ગુજરાતની સામે મેઘાલય, મિઝોરમ, લદ્દાખ જેવા રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બાળલગ્નના એક પણ કિસ્સા નહી
ગુજરાત પ્રગતિશીલ રાજય ગણાતું હોવા છતાં હજુ પણ બાળ વિવાહની ઘટનાઓ બની રહી છે અને તંત્રને જાણકારી મળતા તેને અટકાવાય છે પરંતુ તે સિવાય પણ મોટી સંખ્યામાં બાળલગ્નો કરાવાતા હોવાની આશંકા છે 2018 થી 2022 સુધીના પાંચ વર્ષમાં કુલ 64 બાળલગ્નો થતા તંત્ર દ્વારા અટકાવાયા છે.
- Advertisement -
દેશના અનેક રાજયમાં મોટાપાયે બાળલગ્ન થતા હોય છે તે યાદીમાં ગુજરાત જેવું વિકસિત રાજય પણ જોડાયું છે. આશ્ર્ચર્યની વાત એ છે કે દેશના ઉત્તર-પૂર્વના રાજયમાં બાળલગ્ન નહીવત્ નોંધાયા છે. ગુજરાત સહિત અન્ય રાજયમાં છોકરો કે છોકરી પુુખ્ત વયની થાય તે પહેલા જ તેમને પરણાવી દઈ બાલ લગ્ન કરાવાતા હોવાની માહિતી લોકસભામાં 9 ઓગસ્ટે એક સવાલના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
બાળ વયે થતા વિવાહ અટકાવવા માટે બાળ કલ્યાણ વિભાગ, જિલ્લા બાળ સંરક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવતો હોય છે.2022ના વર્ષમાં જ 1002 કિસ્સામાં બાળલગ્ન અંગેના ગુના દેશભરમાં નોંધાયેલા છે. ગુજરાતમાં 2018માં 8, 2019માં 20, 2020માં 15, 2021માં 12 અને 2022માં 9 કિસ્સામાં બાળલગ્નો કરાવાતા અટકાવી ગુનો નોંધવામાં આવ્યો છે. એક તરફ ગુજરાત જેવા રાજયમાં બાળલગ્ન થતા હોવાના કિસ્સા અનેક વખત બહાર આવે છે. કેટલીક જ્ઞાતિઓમાં હજુ પણ આવું ચલણ છે.
તેની સામે મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ સિકકીમ, લડાખ, આંદામાન-નિકાબાર જેવા અને રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ બાળલગ્ન થતા હોવાની ઘટના નોંધાઈ નથી.આસામ, હરિયાણા, કર્ણાટક, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં બાળલગ્ન કરાવાતા હોવાના ગુના નોંધાયા છે. જેમાં કર્ણાટક મોખરે છે જયાં વર્ષે 200થી વધુ કિસ્સા પણ નોંધાયા છે છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, સહિતના રાજયોમાં મોટા રાજયની સરખામણીમાં બાળલગ્નનું પ્રમાણ ઓછું છે રાજયમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ઝુંબેશ ચલાવતી હોવા છતાં વખતોવખત બાળલગ્નો થતા હોવાના કિસ્સા બહાર આવતા હોય છે.