શાપરમાં જૂની અદાવતમાં પાંચ શખ્સોએ મચાવેલી ધમાલ
કાર-બે બાઇક, ઘરમાં ધોકા-પાઇપ-પથ્થરથી કરી તોડફોડ : પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાપર વેરાવળના બુદ્ધનગરમાં બોડીગાર્ડ ક્યાં છે, મળે એટલે મારી નાખવો છે તેમ કહી આરોપીઓએ ઘરમાં ઘુસી તોડફોડ કરી નાસી જતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
શાપર વેરાવળના બુદ્ધનગરમાં રહેતા સલમાબેનએ ઉદય રાજપુત, રેહાન ચંદાભાઇ અને પકા સામે શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે હું મારા પતિથી અલગ છેલ્લા 4 વર્ષથી જયેશ ઉર્ફે બોડીગાર્ડ સાથે રહું છું ગઈકાલે સવારે જયેશ ઘરે આવેલ અને પછી બહાર ગયેલ. ઘરે હું એકલી હતી ત્યારે બપોરે ઉદય અને પકો ઘરે આવ્યા હતા અને હું ઘરમાં ઉપરના માળે હતી ત્યારે આ બંનેએ ઘર બહાર પાર્ક કરેલ બાઈક અને અમારી કાર ઉપર લાકડી, પાઇપ અને પાણા મારવા લાગ્યા હતા પછી ઘરમા ઘુસી ગયા અને ઘરમાં તોડફોડ કરવા લાગ્યા હતા અને મને કહેવા લાગ્યા કે, બોડીગાર્ડ ક્યાં છે? બોડીગાર્ડ જયાં મળે ત્યાં તેને પકડીને મારી નાખવાનો છે તેને મુકવાનો નથી. તેમ કહી તે જતા રહ્યા હતા. ત્યાર બાદ તુરંત જ રેહાન ચંદાભાઇ અને તેની સાથે બીજા અજાણ્યા ત્રણ માણસો આવ્યા હતા અને મારા ઘરે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા ઘરમાં ઘુસી બોડીગાર્ડ કયાં છે? તેમ પૂછવા લાગ્યા. મે કહેલ કે બહાર છે મને નથી ખબર. તેમ કહેતા આ શખ્સો કબાટ અને બીજી ઘરની વસ્તુમાં લાકડી અને ધોકાના ઘા મારી તોડફોડ કરવા લાગ્યા હતા ઘરમાં બોડીગાર્ડ ન મળતા આ શખ્સો ઘર બહાર ગયા અને બાઈક અને કાર ઉપર બેલાના ઘા કરી જતા રહ્યા હતા જયેશ ઉર્ફે બોડીગાર્ડ પાસે મોબાઈલ ફોન ન હોવાથી હું તે આવે તેની રાહ જોતી હતી.
દરમિયાન સાંજે 6 વાગ્યે બોડીગાર્ડ આવતા તેને મેં આ બધી વાત કરતા તેણે જણાવેલ કે, અગાઉ આ ઉદય અને પકા સાથે બોલાચાલી થયેલ હતી. તેનો ખાર રાખી આ કૃત્ય કર્યું છે. અમારી કાર જીજે 12 સીડી 6874ના આગળ પાછળના કાચ, બોનેટ, કારના પાછળના ભાગે તોડફોડ કરી હતી. સ્પ્લેન્ડર બાઈક જીજે 11 એકે 0472માં આગળનો મોરો, લાઇટ, ટાંકી, સીટ, પાછળની લાઇટ તોડી નાખેલ છે. સ્પ્લેન્ડર બાઈક જીજે 03 એલએન 9381માં આગળનો મોરો, લાઇટ, ટાંકી, સીટ, પાછળની લાઇટ તોડી નાખેલ છે. ઘરમાં દરવાજામાં તથા કબાટમાં નુકસાન કરેલ છે. આ જોતા આશરે રૂ. 1.25 લાખનું નુકસાન થયું છે. શાપર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.