રાજ્યમાં આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી હોવાની વાત સામે આવી છે.
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકના 2 કિસ્સા સામે આવ્યા છે અને નવસારીમાં હાર્ટએટેકનો એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં 17 વર્ષીય સગીર અને 40 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય સગીરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું અને હનુમાન મઢી ચોકમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું મૃત્યુ થયું. જયારે નવસારીમાં 34 વર્ષીય નરેન્દ્ર કુમાર ઋષિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.
- Advertisement -
હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી
ઉલ્લેખનીય છે કે કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કરી. એ પછી આ અંગે ઘણો વિવાદ ઉભો થયો. ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી 23 ટકા વધી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકનાં 75 હજાર કેસ આવ્યા, જયારે ગયા વર્ષે આ સંખ્યા 61 હજાર હતી.
- Advertisement -
રાજ્યમાં કરોડો લોકોને આપ્યા કોવિશિલ્ડના ડોઝ
કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનકાએ કબૂલ્યું કે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થાય છે, જેમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાઓ થાય છે. લોહીના ગંઠાઈ જવાને કારણે હૃદય બંધ થઈ જાય છે, બ્રેઈન સ્ટ્રોક, કિડની ફેલ થવી જેવી સમસ્યાઓ થાય છે. ત્યારે આ વેક્સિનની આડઅસરનાં મામલે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.
જણાવી દઈએ કે રાજ્યમાં 10.50 કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરની ચર્ચાઓ વચ્ચે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર થોડાંક જ લોકોને તેની આડઅસર થઈ છે, પરંતુ રાજ્યમાં હૃદયરોગ સંબંધિત ઈમરજન્સીમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકા વધારો થયો છે.
108 ને મળ્યા આટલા બધા ઈમરજન્સી કૉલ
રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને વર્ષ 2022-23માં 61076 કૉલ મળ્યા હતા, પણ વર્ષ 2023-24માં 75390 કોલ્સ મળ્યા છે. આ કિસ્સાઓમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગુજરાતમાં કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસ સૌથી વધુ કેસ અમદાવાદમાં આવ્યા છે. જયારે બીજા સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા.
અલગ છે હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ
મહત્ત્વનું છે કે હૃદયરોગ સંબંધિત બીમારીઓનાં કેસ અચાનક વધી ગયા છે, યુવાનોના આકસ્મિક મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે એક સ્વાસ્થ્ય નિષ્ણાતનું કહેવું છે કે કોરોનામાં પણ હૃદયરોગના કેસ આવ્યા હતા, લોહી ગંઠાઈ જવાનું સામે આવ્યું હતું. યુવાનોમાં હૃદયરોગના કિસ્સા વધવાનું કારણ બહારનું ખાવાનું, માનસિક તણાવ, ઝડપી લાઈફસ્ટાઈલનો સમાવેશ થાય છે. ત્યારે અહીં જણાવી દઈએ કે હાર્ટએટેક ત્યારે આવે છે જયારે કોરોનરી ધમનીઓમાંથી કોઈ એક બ્લોક થઈ જાય છે. હૃદયના સ્નાયુઓને બ્લડ નથી મળતું, અને જો તેમની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તેને પૂરતો ઓક્સીજન ન મળવાથી મૃત્યુ થાય છે. જયારે કાર્ડિયાક અરેસ્ટ એટલે જયારે વ્યક્તિનું હૃદય શરીરમાં લોહી પંપ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ શ્વાસ લઈ શકતો નથી.
જયારે અન્ય નિષ્ણાતોનું કહેવું છે કે બહુ ઓછા લોકોમાં આડઅસર જોવા મળી રહી છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. જેને હૃદયરોગની બીમારી હોય તેમને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. લોહી ગંઠાઈ જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રીસર્ચ જરૂરી છે, જેથી લોકોના જીવ બચાવી શકાય.