ગઇકાલે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજકોટમાં કેસની સંખ્યા શૂન્ય છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42704 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 129 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 1830 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 836 સહિત કુલ 2666 નાગરિકોએ રસી લીધી છે.
કેસ ઘટતા હવે માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ પણ ઘટીને તળિયે આવી ગયું છે. એક સમયે માસ્ક માટે મેડિકલ પર લોકોની ભીડ જામતી હતી, પરંતુ બીજી લહેર જતાં માસ્કનું વેચાણ અડધું જ એટલે કે 50 ટકા પર આવી ગયું છે.કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી માસ્ક પહેરવું જીવન જરૂરી બની ગયું છે. જોકે તેમ છતાં કોઈ માસ્ક ન પહેરે તો આકરો દંડ ભરવાનો વારો આવે છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવતાં લોકો નિયમો ભૂલવા માંડ્યા છે. લોકો કોરોનાથી ડરીને નહીં, પરંતુ દંડથી બચવા માસ્ક પહેરી રહ્યાં છે. કોરોના હળવો પડતાં જ માસ્કનું વેચાણ પણ રોજ ઘટી રહ્યું છે.
- Advertisement -
બીજી લહેરમાં માસ્કનું જે વેચાણ થતું હતું તે હાલ અડધું થઈ ગયું છે. જ્યારે સેનિટાઈઝર તો જાણે ભૂલાય જ ગયું છે. જે મેડિકલમાં દરરોજની 35-40 બોટલ સેનિટાઈઝર વેચાતું હતું, ત્યાં હાલ માંડ 2-4 બોટલનું વેચાણ થઈ રહ્યું છે.


