દુનિયાનું સર્વાધિક જૈવિક વૈવિધ્ય હિન્દુકુશ પર્વતમાળામાં હોવાથી પગલાં ભરવા અનિવાર્ય
નેપાળમાં 130 ગ્લોબલ એક્સપર્ટની કોન્ફરન્સ યોજાઇ
ખાસ-ખબર સંવાદદાતા
નેપાળમાં દુનિયાના ટોચના પર્યાવરણ, જૈવવૈવિધ્ય અને ઈકોસિસ્ટમ એક્સપર્ટ્સની કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં હિન્દુકુશ હિમાલયન પર્વતમાળાના વિસ્તારને જૈવવૈવિધ્યના વિનાશની અણી પર આવેલો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. દુનિયામાં અત્યારે સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો વિસ્તાર હિન્દુકુશ પર્વતમાળા છે, પરંતુ તેના પર માનવીય ગતિવિધિ તેમ જ ક્લાઈમેટ ચેન્જની વિપરિત અસર પડી હોવાથી સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.
પર્વતીય ઈકોસિસ્ટમ, સજીવસૃષ્ટિ, જૈવવિવિધતા વગેરે બાબતો પર નજર રાખતું નોલેજ શેરિંગ સેન્ટર ધ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેઈન ડેવલપમેન્ટે નેપાળમાં એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, ચીન, મ્યાંમાર સહિતના આ સેન્ટરના કાયમી સભ્યો ઉપરાંત દુનિયાભરમાંથી 130 એક્સપર્ટ્સે એમાં ભાગ લીધો હતો. આ એક્સપર્ટ્સે હિન્દુકુશ હિમાલયન રેન્જને જૈવવિવિધતાના પતનની સર્વાધિશ શક્યતા ધરાવતો વિસ્તાર જાહેર કર્યો હતો. ક્લાઈમેટ ચેન્જ, માનવ ગતિવિધિ વગેરેના કારણે આ વિસ્તારમાં ઈકોસિસ્ટમ પર ગંભીર અસરો થઈ છે. ખાસ તો સજીવસૃષ્ટિના ખોરાકનો મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. વળી, કેટલીય વનસ્પતિઓ નાશ પામવા લાગી છે.
હિન્દુકુશ પર્વતમાળા આજની તારીખે દુનિયાનું સૌથી વિશાળ જૈવવૈવિધ્ય ધરાવતું સ્થળ છે. આ પર્વતમાળામાં સંખ્યાબંધ એવા સજીવો અને વૃક્ષો છે, જે દુનિયામાં બીજે ક્યાંય નથી, પરંતુ બદલાતા વાતાવરણની આ વિસ્તારમાં એવી ગંભીર અસરો થવા માંડી છે કે આ સજીવો સહિત આખીય જૈવવિવિધતામાં આગામી દશકામાં નાશ પામે એવી દહેશત છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિશ્વની 36 બાયોડાઈવર્સિટી સાઈટમાંથી ચાર હિન્દુકુશમાં છે. દુનિયાના 200 ઈકોરિજિયનમાંથી 12નું સરનામું હિન્દુકુશમાં છે. 575 પક્ષીઓના સુરક્ષિત સ્થળો છે. આ બધું છતાં આખાય વિસ્તારમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવે તાકીદના પગલાં ભરવાથી નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે.
હિન્દુકુશ પર્વતમાળાનો વ્યાપ બહુ વિશાળ છે. ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, ચીન, મ્યાંમાર, નેપાળ – એમ આઠ દેશોમાં ફેલાયેલી આ હિન્દુકુશ પર્વતમાળાનો વિસ્તાર 3500 કિલોમીટરનો ફેલાવો ધરાવે છે. હિન્દુકુશ પર્વતમાળામાં 24 કરોડ લોકો વસવાટ કરે છે અને તેમાંથી 31 ટકાને અનાજ-પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -