હિટ એન્ડ રનના કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતર્યા; ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી લાઈન, બસના કાચ ફોડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. ત્યારે આજે રાજકોટ અને ભૂજના ટ્રકચાલકો વિફર્યા છે અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી હાઈવે પર ઉતરી આવ્યા છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ કાયદો રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. જોકે વિરોધ કરતા ટ્રક ચાલક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભચાઉ તાલુકાના સામખયારી નેશનલ હાઈવે પર 500 જેટલા ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને બસના કાચ ફોડ્યા હતા.
રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.
- Advertisement -
આ મામલે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે ટ્રકચાલકો એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેથી ટ્રક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ દરમિયાન હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટ ટ્રકચાલક એસોસિએશનના પ્રમુખ સુરસિંહ વાળાએ જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતના મોટા વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે રૂ.7 લાખનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો કાયદો લાવવામાં આવ્યો છે. તે કાળો કાયદો છે જેથી તેના વિરોધમાં અમે અહીં રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે.
ભચાઉ તાલુકાના સામખયારી નેશનલ હાઈવે પર આજે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતાં માલવાહક વાહનોના ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રક ડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400થી 500 જેટલા ટ્રકચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માગ કરી રહ્યા છે.