આવાસોની ફાળવણીનો ગેરઉપયોગ કરનારા સામે મનપાની લાલ આંખ
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર દ્વારા મધ્યમ વર્ગની સુવિધા માટે ઉભા કરવામાં આવેલા આવાસોની ફાળવણી કરવામાં આવ્યા બાદ કેટલાક આવાસોમાં મૂળ માલિકના સ્થાને બીજા લોકો રહેતા હોવાની રાજકોટ મહાનગર પાલિકાને ફરિયાદ મળી હતી. જેના આધારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ચકાસણી વેળાએ મૂળ માલિકના સ્થાને અન્ય રહેતા હોય તેવા આવાસોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કવિ કલાપી ટાઉનશીપ બનાવવામાં આવેલ છે. જેમાં તા.07/05/2022 ના રોજ ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા અ-101, અ-302, અ-303, અ-704 અને અ-707 નંબરના આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસો આપવામાં આવેલ હતી. જેથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી આજ રોજ આવાસોમાં આવાસ યોજનાની ટીમ દ્વારા વિજીલન્સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવ્યા હતા.