રાષ્ટ્રીય ન્યાયિક સેવાની રચના કરવા ચીફ જસ્ટિસ ચંદ્રચુડનો મત: જિલ્લા અદાલતોમાં કેસોનો વધતો ભરાવો ચિંતાજનક
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
કેટલાક દિવસો પહેલા જિલ્લા અદાલતોની નેશનલ કોન્ફરન્સમાં કેસોના બેકલોગ પર ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે હાલની ગતિએ કેસોનો નિકાલ થશે તો વર્ષ 2040માં ભારતમાં 15 કરોડ કેસ કોર્ટમાં હશે અને તેના નિકાલ માટે 75 હજાર ન્યાયાધીશોની જરૂર પડશે. મુખ્ય ન્યાયાધીશે ન્યાયાધીશો માટે રાષ્ટ્રીય ભરતી પ્રક્રિયાની હિમાયત કરી હતી. 1 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા અદાલતોની રાષ્ટ્રીય પરિષદમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે સર્વસંમતિથી ઝડપી અને સુલભ ન્યાય સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
ન્યાયિક સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરની ભરતી પ્રક્રિયાની હિમાયત કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે. પ્રાદેશિકતા અને રાજ્ય-કેન્દ્રિત પસંદગીની સાંકડી સીમાઓથી આગળ વધવાનો સમય આવી ગયો છે. અગાઉ પણ અખિલ ભારતીય ન્યાયિક સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૂચનો આવતા રહ્યા છે. કાયદા પંચે વર્ષ 1958 અને 1978માં બે અલગ-અલગ ભલામણો દ્વારા આ માટે સૂચનો આપ્યા છે. પંચનો અભિપ્રાય હતો કે આનાથી અદાલતોમાં પડતર કેસોના સમયસર નિકાલની સુવિધા મળશે, ન્યાયિક માળખું વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનશે અને પરિણામે કેસોનો ઝડપી નિકાલ થશે અને સામાન્ય લોકોનો તેમનામાં વિશ્વાસ વધશે. સંસદની જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાયની સ્થાયી સમિતિએ પણ વર્ષ 2006માં આ વિષય પર સૂચન કર્યું હતું. આ સિવાય આ કમિટીએ ડ્રાફટ પણ તૈયાર કર્યો હતો, પરંતુ તે આગળ વધી શક્યો નહોતો.
સુપ્રિમ કોર્ટે પણ અનેક પ્રસંગોએ આ સંદર્ભમાં સૂચનો અને સૂચનાઓ આપી હતી. સૌ પ્રથમ, વર્ષ 1992માં ઓલ ઈન્ડિયા જજ એસોસિએશન ટજ યુનિયન ઓફ ઈન્ડિયામાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચના માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ ફરી વર્ષ 1993માં આ અંગે જરૂરી પહેલ કરવાનીજવાબદારી સરકારની વિવેકબુદ્ધિ પર છોડી દેવામાં આવી હતી. ત્યારપછી 2017માં સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સ્વત: સંજ્ઞાન લીધું હતું. આજ સુધી આ અંગે કોઈ નક્કર પહેલ કરવામાં આવી નથી. કેસોનો ઢગલો, તેમના નિકાલમાં વિલંબ અને પારદર્શિતા સંબંધિત અપેક્ષાઓ ન્યાયતંત્રની વિશ્વસનીયતાને સૌથી વધ અસર કરી રહી છે. કોલેજિયમ સિસ્ટમની ગુપ્તતાને કારણે હવે તેમના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
- Advertisement -
વિવિધ રાજ્યોમાં પસંદગીની પ્રક્રિયામા વિલંબથી 25,246 પદોની કુલ મંજૂર સંખ્યા સામે માત્ર 19,858 જજ કામ કરી રહ્યા છે. કેસ દાખલ કરવાના વર્તમાન દર અનુસાર, 2040 માં કુલ 15 કરોડ કેસ પેન્ડિંગ રહેશે, જેના નિકાલ માટે 75,000 જજોની જરૂર પડશે. . હાલમાં ન્યાયતંત્રમાં પસંદગી માટેની બે પદ્ધતિઓ છે. જિલ્લા અદાલતો માટે પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવે છે.
હાઈકોર્ટમાં 25 ટકા જગ્યાઓ આ ન્યાયિક અધિકારીઓના પ્રમોશન દ્વારા ભરવામાં આવે છે, જ્યારે બાકીની જગ્યાઓ વકીલોમાંથી કોલેજિયમ દ્વારા ભરવામાં આવે છે. જિલ્લા અદાલતો માટેની લેખિત પરીક્ષા દ્વારા ન્યાયિક સેવામાં આવતા ન્યાયાધીશોને હાઈકોર્ટમાં પહોંચવાની બહુ ઓછી તક હોય છે. તે સુપ્રિમ કોર્ટમાં પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ સંજોગોમાં તેમના મનમાં વંચિતતાની લાગણી જન્મે તે સ્વાભાવિક છે. આ જ કારણ છે કે આ સેવા પ્રત્યે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો ઝોક ઘટી રહ્યો છે. ઓલ ઈન્ડિયા જ્યુડિશિયલ સર્વિસની રચના બાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ માટે પ્રતિભાશાળી ન્યાયાધીશોનો આવો વિકલ્પ ઉપલબ્ધ થશે, જે આ સંસ્થાની પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપી શકશે.