થોડા દિવસ પહેલાં રાજકોટ જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષકની સાથે શાળાના મકાનનું રીપેરિંગનું કામ કરતાં વિદ્યાર્થીઓનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને લોકોએ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાની કાગારોળ મચાવી.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની સાથે શાળાના મકાન રીપેરીંગનું કામ કરતા વિદ્યાર્થીઓના ફોટાઓ વાયરલ થયેલા. કેટલાય લોકોએ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાની કાગારોળ મચાવેલી.
- Advertisement -
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું-મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ? મને એવું લાગે છે કે આપણે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકયું જ્ઞાન પૂરતો સીમિત કરી દીધો છે. ગુરુકુલ પરંપરામાં આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આશ્રમનું બધું જ કામ કરતા. રાજાનો દીકરો હોય તો પણ એણે મેદાન સાફ કરવાથી લઈને બધું જ કામ કરવું પડતું. ક્યારેય કોઈ રાજા ફરિયાદ લઈને ગુરુકુલમાં નહોતા જતા કે તમે અમારા બાળકો પાસે મજૂરી કેમ કરાવો છો ?
હું ગામડાની સરકારી શાળામાં જ ભણેલો છું. અમે અમારી શાળાના રૂમ વાળતા અને મેદાન પણ સાફ કરતા. અમારી શાળામાં પીવાના પાણીના ગોળાઓ પણ અમે જ ભરતા. આ કામ માટે વિદ્યાર્થીઓના વારા પાડેલા હોય. અમે આતુરતાપૂર્વક અમારો વારો આવવાની રાહ જોતા કારણકે એ કામની એક અલગ મજા હતી. મારી ઉંમરના લગભગ બધાએ આવા કામ કર્યા હશે. તો શું એમાં આપણે મજૂર થઈ ગયા ? આવું કામ કરવાથી આપણી જિંદગી બરબાદ થઈ ગઈ ? આવું કામ કર્યું એમાં આપણું ભણવાનું બગડ્યું ? ઉલટાનું આવા કામો કરવાના લીધે આપણે સૌ ઘડાયા.
આપણે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકયું જ્ઞાન પૂરતો સીમિત કરી દીધો છે, ગુરુકુલ પરંપરામાં આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આશ્રમનું બધું જ કામ કરતા
- Advertisement -
શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે શિક્ષકો ક્યારેક કોઈ શારીરિક મહેનતનું કામ લે તો એ બાળક માટે નુકસાનકારક નહીં લાભદાયક જ છે. બાળકના સર્વાંગી વિકાસ માટે એ બહુ જરૂરી છે. જો આ બાબતે વાલી તરીકે ફરિયાદ લઈને શાળાએ દોડી જઈશું તો આપણી નવી પેઢીને નમાલી બનાવી દેશું. બાળકો પ્રાથમિક શાળામાંથી જ એ શીખીને જવા જોઈએ કે કોઈ કામ નાનું કે સામાન્ય નથી. બાળકોને ખાલી ચોપડીઓના થોથા જ ભણાવ્યા કરીશું તો એ બીજું કશું જ નહીં શીખી શકે અને જીવનમાં ક્યારેક કોઈ વિકટ ઘડી આવે તો ટકી પણ નહીં શકે.
વિશ્વના વિકસિત દેશો એની નવી પેઢીને શારીરિક શ્રમનું મહત્વ શીખવાડે છે અને આપણે એને મજૂરી ગણીને શ્રમની વિમુખ રાખીએ છીએ. અમેરિકાના ઉધોગપતિના દીકરાને કે જાપાનના ઉચ્ચ અધિકારીની દીકરીને બીજાની હોટેલમાં વેઈટર તરીકે કામ કરવામાં પણ શરમ નથી આવતી કારણકે એને શ્રમ પ્રત્યે સુગ નથી.
બાળકોનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હોય તો પુસ્તકના જ્ઞાન સાથે નાનપણથી શારીરિક શ્રમની પણ ટેવ પાડજો. શાળામાં ક્યારેક શારીરિક શ્રમ કરાવે તો ફરિયાદ કરવા ન દોડશો કે હોબાળો ન મચાવશો કારણકે એ જીવનશિક્ષણનો જ એક ભાગ છે જેના વગર ઘણું બધું અધૂરું રહી જાય છે.