મારુ બધું તો સમજ્યાં, પણ તું તારું સંભાળ…
વર્તમાન રાજકારણનાં બદલાતાં વહેણની વિશેષ તરાહમાં બે બાબતો ખાસ ધ્યાન ખેંચે છે, જેના માટે વિશેષ શબ્દો પ્રયોજાય છે, એક તો પોસ્ટ ટ્રુથ, અને બીજો છે વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમ
- Advertisement -
આપણે જોયું છે કે, ભૂતકાળમાં બીલ્લા-રંગા, રાજકોટ ન્યારી પ્રકરણ અને નજીકના ભૂતકાળમાં નિર્ભયા કેસ. આ ત્રણેય ઘટના વખતે દેશ આખાયે સાથે મળીને એકઅવાજે વિરોધ નોંધાવ્યો હતો પણ હવે આ સામાજિક સમરસતાનું ચિત્ર બદલાયું છે. હવે ક્યાંય પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય ત્યારે પહેલા પીડિતનો અને આરોપીનો ધર્મ, જે રાજ્યમાં ઘટના બની ત્યાં કોની સરકાર છે, વળી પીડિત-આરોપી જે સમુદાયમાંથી આવે છે તે સમુદાય ચોક્કસ રાજનીતિક પક્ષ માટે ફાયદાકારક કે નુકશાનકારક છે એ બધાં પાસા વિચારીને જ, તેનો વિરોધ અથવા હિત સાચવવાં કે ઘટનાની ગંભીરતા ઓછી કરવાં માટે બચાવ પણ થાય છે! સમાંતરે અથવા ભૂતકાળમાં બનેલ કોઈ ઘટના સંદર્ભ આપીને, અત્યારે તો બોલો છો પણ આ ઘટના બની ત્યારે કેમ ચૂપ હતાં? એનું શું? આવું કરી લોકો પણ જાણે ઘેરબેઠાં રાજકારણ રમે છે.
આને વ્યવહારીક પ્રયોગ સાથે સમજાવતાં એમ કહી શકાય કે, ‘અમારા દોષ તો ઠીક પણ, વ્હોટ અબાઉટ યુ?’ ‘…ત્યારે તમે ક્યાં હતાં?’ ‘અમારા વાંક જુઓ છો! એ તો બધું સમજ્યા પણ તમે જે-તે વખતે આમ આમ કર્યું હતું કે કરો છો એનું શું?’ “અમારાથી આ ભૂલ થઈ તો, તેના માટે જવાબદાર તમારી જે તે વખતની નીતિ છે!’ ટૂંકમાં જે-તે બાબત વિશે વ્યક્તિ પાસે સાચો જવાબ કે વાંકમાં હોય ત્યારે જવાબ દેવામાંથી છટકી જવા માટે, સવાલ કરનાર પર જ દોષારોપણ અથવા ટીકાઓ કરી આખીયે પરિસ્થિતિને ચકડોળે ચડાવી દેવાની ધૂતર્તાપૂર્ણ તર્કપદ્ધતિ છે. મુદ્દાથી ધ્યાન ભટકાવીને અહીં-તહીંની વાતો કરવી અને સવાલ કરનાર વ્યક્તિને જ દોષિત ઠેરવી દેવો કે તેનો હુરિયો બોલાવવાથી જવાબ આપવાનું ટળી જતું હોય છે. વળી તેને સાંભળનારા પણ ઘડીભર મતિભ્રમ થઈને મૂળ મુદ્દો શું હતો એ ભૂલી જઈને બચાવ રૂપે જે ભ્રામક તર્ક રજૂ કરવામાં આવ્યા છે તેના પર વિચારવા લાગે છે.
સતત એકના એક પ્રશ્ન પૂછવામાં આવે તો પણ તે જાણે સમજતા જ નથી એમ યોગ્ય જવાબ આપવાને બદલે, વોટઅબાઉટિઝમને અનુસરતા નેતા-પ્રવક્તાઓ પોતે ઉભા કરેલાં મુદ્દાને વળગી રહે છે. તદ્દન અસંગત, અસંબંધિત મુદ્દાઓ વચ્ચે ખોટી સમાનતા સ્થાપીને ઘણીવાર ગર્ભિત અથવા સ્પષ્ટ દાવો કરવામાં આવે છે કે આ જે થયું તેને ખોટું દર્શાવવામાં આવ્યું છે પણ, અન્ય પક્ષ દ્વારા જે-તે સમયે કરવામાં આવેલા જે-તે કાર્ય કરતાં આ કંઈ વધુ ખરાબ નથી!
- Advertisement -
ખાસ કરીને રાજકીય ચર્ચાઓમાં જ્યાં એક પક્ષ ભૂતકાળની ઘટનાઓ/કાલ્પનિક ઘટનાઓ અથવા સામા પક્ષના ખોટા કાર્યોને રજૂ કરીને ટીકાથી બચી શકે છે, પછી ભલે તે વર્તમાન મુદ્દા સાથે સંબંધિત ન હોય. આવું કરતા રહેવાથી જનતાને સામી પાર્ટીના દોષ સિવાયનું કશું યોગદાન દેખાતું નથી. આમ, કરનાર પોતે જવાબ આપવાથી બચી જઈ અને સામા પક્ષની ગરિમાને પણ ખંડિત કરી, એક કાંકરે બે પક્ષી મારે છે.
વ્હોટઅબાઉટ્રી અથવા વ્હોટઅબાઉટીઝમ એટલે વાકપટુતા સાથે તાર્કિક ભ્રામકતા ફેલાવી, વાંધો ઉઠાવનાર પર જ કોઈ રેફરન્સના હવાલે દોષારોપણ કરવાની, પ્રશ્ર્ન પૂછનારને ‘આપના તો અઢાર વાંકા’ કહી દેવાની, પરિસ્થિતિને ઘુમાવી નાખવાની કલા (અપલખણ) જે સામાન્ય રીતે ચર્ચાઓ, રાજકીય ડિબેટ્સ, રાજકીય સભાઓ તેમજ રાજકીય પ્રવચનમાં વપરાય છે
વ્હોટઅબાઉટિઝમના ઉદાહરણ
જો એક નેતા કહે કે, નહેરુજીના કપડાં વિલાયતમાં ધોવડાવતાં તો બીજો કહેશે કે તમારા મોદીજી પણ દસ લાખનો સૂટ પહેરે છે! તમે કહો કે મણિપુર ઘટના બહુ ઘૃણાસ્પદ છે તો સામે વાળો કહેશે, કેમ એમાં જ બોલ્યા? રાજસ્થાનમાં બળાત્કાર થતા રહે છે કેમ ચૂપ? અહીં ઉપરની બન્ને ઘટના સ્વતંત્ર રીતે ચિંતા કરવાની ઘટના જ છે. પણ અહીં, રાજસ્થાનમાં ય આવું થાય છે એટલે મણિપુરમાં થાય તો દુ:ખ શેના વ્યક્ત કરો છો એમ કહેવાનું! તાજેતરમાં મુઝફરનગર મુસ્લિમ વિદ્યાર્થીને હિંદુ વિદ્યાર્થીના હાથે માર ખવડાવતી ઘટના વિશે બહુ સિફતાઈથી બોલાય છે કે ઘટના તો બહુ ઘૃણાસ્પદ છે આવું ન થવું જોઈએ… ‘પણ…’ ઈન્દોરના આઠ વર્ષના બાળકનું મુસ્લિમ દ્વારા અપહરણ કરીને તેની સુન્નત કરી નાખવામાં આવી એનું શું! એના વિશે તો કોઈ ન બોલ્યા!
આમ, દરેક બાબતે ઉપરછલ્લો અફસોસ જતાવ્યાં બાદ, આ મણ એકનો ‘પણ’ મૂકીને દરેક પક્ષ તેને સામા લાગતા પક્ષ કે સમુદાય સાથે બનેલી દુર્ઘટનાની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
કઠુઆ રેપમાં બોલ્યા અને શ્રદ્ધા કેસમાં કેમ ન બોલ્યાં? શ્રદ્ધા કેસમાં બોલ્યા પણ કઠુઆ કેમ નહોતા બોલ્યા?
1984ના દંગા વિશે બોલો તો ગોધરાકાંડ યાદ કરાવશે. ગોધરાકાંડ વિશે બોલો તો મોપલા કાંડ અને 1984 દંગા યાદ કરાવશે કે એના વિશે કેમ ન બોલ્યા!
મોદી સરકાર વિશે કોઈ તંદુરસ્ત ટીકા કરો તો તેના સમર્થકો કહેશે કે બહુ તકલીફ હોય તો પાકિસ્તાન ભેગા થઈ જાવ!
આ રીતના તર્કનો નહીં તો કશો અર્થ કે ન તો કોઈ આધાર હોય છે.
આ ઉદાહરણો દર્શાવે છે કે, જે પરણતું હોય, તે સમયે એના જ ગીત ગાવાના હોય, બે સ્વતંત્ર ઘટના વિશે અલગ અલગ રોવાનું હોય, એકબીજાને સામસામે રાખીને ફિટુસ ન કરવાનું હોય એટલુ સામાન્ય વિવેકભાન પણ લોકો હવે ગુમાવતાં જાય છે.
ઉપર કહ્યું તેમ, નૈતિક સાપેક્ષવાદ પર આધારીત વ્હોટબાઉટિઝમ કરી નેતા એમ સૂચવે છે કે, પોતાની ક્રિયાઓ, નિષ્ફળતાઓ એટલા માટે વાજબી છે અથવા માફીપાત્ર છે કારણ કે અન્ય કોઈએ ભૂતકાળ કે વર્તમાનમાં, કંઈક આવું અથવા આનાથી વધુ ખરાબ કર્યું છે! આ પરિબળ સમાજમાં, નૈતિકતાના સ્તરને નીચું લાવે છે. વળી, નેતાઓના બીજા પર આવા તદ્દન અનૈતિક વલણથી, શુ સાચું,? કોણ સારું? કોનો વિશ્વાસ કરવો? આ બધા મુદ્દે જનતા ભ્રમિત થઈ જાય છે. પોતાના આદર્શ નેતા અને તેના પ્રવક્તાઓને નિમ્નકક્ષાનું રાજકારણ કરતા જોઈને, સમજદારોમાં નિરાશા તેમજ રાજનીતિ પ્રત્યે ઉદાસીનતાનું વલણ કેળવાય છે.
નેતા-પ્રવક્તાઓ દ્વારા આચરવામાં આવતી આવી યુક્તિઓ રચનાત્મક ચર્ચાને નબળી પાડે છે. સમસ્યાનાં નિરાકરણને અવરોધે છે. વોટએબાઉટિઝમ વાદ-વિવાદ અથવા ચર્ચાને બિનઉત્પાદક રીતે આગળ વધારી તેનો નિષ્કર્ષ શૂન્ય કરી નાંખે છે. આપણે ટીવી ડીબેટોમાં જોઈએ છીએ કે જોરશોરથી શરુ કરવામાં આવેલી ડિબેટ્સમાં ભાગ્યે જ કોઈ પ્રવક્તા તર્કસંગત જવાબ આપે છે. અને જો તેના રેઢિયાળ જવાબમાં કોઈ તાર્કિક સવાલ ખડો કરે તો હોહા કરવામાં, એકબીજા પર દોષારોપણ કરવામાં જ મૂળ વિષય વિશે આખરે અર્થપૂર્ણ સંવાદ વગર જ ચર્ચા પુરી થાય છે!
વોટઅબાઉટિઝમ વચ્ચે જીવતા આપણે, ધીરે ધીરે મૂલ્યબોધ ગુમાવતા જઈએ છીએ. નીતિમતાથી વિમુખ થતા જઈએ છીએ. કારણ, એ એટલું સામાન્ય થઈ ગયું છે કે ભૂલને સ્વીકારવાને બદલે અન્યોના વાંક દેખાડી, અન્યની લીટી નાની કરવામાં, સામાજિક-નૈતિક જવાબદારીમાંથી છટકી જવામાં છોછ અનુભવવાને બદલે ગર્વ અનુભવતા આપણા નેતાઓને સામાજિક અન્યાય, બળાત્કાર, હત્યા, દંગા, વગેરે પર સવાલ કરવામાં આવે ત્યારે તેઓ પાછળના વર્ષોના સંદર્ભો, વિપક્ષની કેન્દ્ર સરકાર કે પોતાનાથી જુદા પક્ષની સરકારો હોય એવા રાજ્યોમાં થયેલા ગુનાના સંદર્ભો આપી આપીને પોતે તો જવાબદારીમાંથી બચી જાય છે પણ તદ્દન હીંચકારી, વખોડી કાઢવા જેવી ઘૃણાસ્પદ ઘટનાઓ પરત્વે પણ આવું અસંવેદનશીલ વલણ અપનાવી શકાય, અથવા જે કઈ ઘટના બની છે એ તો ફલાણી ઢીંકણી નિતિનું અથવા ઘટનાનું રિએક્શન છે, એટલે વાજબી છે એવો પ્રચ્છન્ન બોધ પણ આપતાં જાય છે! આપણી સંવેદના હવે બુઠ્ઠી થતી જાય છે. જે આપણને અપરાધ બોધમાંથી મુક્ત કરી દે છે અને ન્યાય પ્રત્યેની આપણી નિષ્ઠાને પણ અસર કરે છે. વળી અંગત જીવનમાં પણ આવું વલણ વ્યક્તિને નડી જાય છે.
સોશ્યલ મીડિયાનાં જમાનામાં આજે જ્યારે આમ જનતા પણ રાજનીતિ અંગે રોજબરોજ પોતાનો મત જણાવતી થઈ છે, વિચારોના આદાનપ્રદાનની પ્રબળતા વચ્ચે દરેક વ્યક્તિ માટે આ અનિવાર્ય બની ગયું છે કે તે બુદ્ધિની બારી ખુલ્લી રાખી ખરેખર શું થઈ રહ્યું છે તે સમજે. કોઈએ આપેલા પૂર્વગ્રહયુક્ત રેડીમેઈડ જ્ઞાનને બદલે પોતે ચર્ચાઓને, મૂળ વિષય અથવા તે અંગે કરવામાં આવેલી દલીલો પાછળના હેતુને ઓળખે. વિવિધ પરિસ્થિતિઓ અથવા નીતિઓની તુલના કરવી એમાં કશું ખોટું નથી પરંતુ એમ કરીને જે-તે પક્ષ લોકોને મુદેથી ભટકાવીને છટકી જતો હોય છે, એ સમજવું જરૂરી છે.