શિવસેનાના નેતાઓ અને ધારાસભ્યો પણ આ લડાઈમાં મેદાનમાં ઉતર્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટીપ્પણી કરવા બદલ કોમેડિયન કુણાલ કામરા વિવાદોમાં ફસાયો છે. શિવસેનાના કાર્યકારો અને નેતાઓએ સ્ટુડિયો અને હોટલમાં તોડફોડ મચાવી હતી. શિવસેનાના નેતાઓ અને ધારાસભ્યો પણ આ લડાઈમાં મેદાનમાં ઉતર્યા છે. કુણાલ કામરાને ખુલ્લેઆમ ધોલાઈ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. હાલમાં જ ધારાસભ્ય નિલેશ રાણેએ પણ કામરાને ધમકી આપી છે કે, કામરા જ્યાં પણ દેખાય તેને માર મારવામાં આવે.
- Advertisement -
શિવસેનાના નેતા સંજય નિરૂપમે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, કાલે 11 વાગ્યે કુણાલ કામરાની ધોલાઈ કરીશું. ત્યારબાદ ધારાસભ્ય નિલેશ રાણેએ પણ જણાવ્યું છે કે, અમે કુણાલ કામરા જ્યાં પણ મળશે તેની ધોલાઈ કરીશું.
કોણ છે નિલેશ રાણે
નિલેશ રાણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર અને હાલની મહાયુતિ સરકારમાં ધારાસભ્ય છે. તે 2019થી 2024 સુધી ભાજપમાં સામેલ હતાં. બાદમાં હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન શિવસેનામાં જોડાયા હતાં. શિવસેના તરફથી ચૂંટણી લડનારા નિલેશ રાણેએ કુડાલ બેઠક પરથી 8176 મતોના માર્જિન સાથે જીત મેળવી હતી.
- Advertisement -
કુણાલ કામરા વિવાદ
સ્ટેડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક હોટલમાં કોમેડી કરતી વખતે શિવસેનાના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં ગીત પર પૅરડી બનાવી હતી. જેમાં તેણે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. આ પૅરડી સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં શિવસેનાના કાર્યકારો રોષે ભરાયા હતાં.
શિવસૈનિકો નારાજ થયા હતાં અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો છે કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે.