જિલ્લાની ચાર બેઠક પર સરેરાશ 58.91% મતદાન, 6.27% મતદાન ઘટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટની ચાર બેઠક પર સરેરાશ 59.90 ટકા મતદાન થયું હતું, સૌથી વધુ શહેરની પૂર્વ બેઠક ઉપર 62.22 ટકા અને સૌથી ઓછું શહેરની પશ્ચિમ બેઠક ઉપર 57.03 ટકા મતદાન થયું હતું. ગત વિધાનસભાની ચૂંટણી કરતાં 6.27 ટકા મતદાન ઓછું થતાં ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં પરિણામ અંગે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને દરેક ઉમેદવાર તથા પક્ષે જીતના દાવા કર્યા હતા. હાલ કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં કંટ્રોલરૂમ બનાવામાં આવ્યો છે. જેમાં સમગ્ર જિલ્લાના ઊટખ અને ટટઙઊઝ મશીનને સ્ટ્રોંગ રૂમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં સવારના 8 વાગ્યાથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો, સવારથી જ દરેક મતદાન મથક પર મતદારોની કતાર જામી હતી, જેમ જેમ સૂર્ય તપતો જતો હતો તેમ તેમ મતદાનનું પ્રમાણ વધતું જતું હતું, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠક પર ઝંપલાવ્યું હોય ત્રિપાંખિયા જંગમાં મહત્તમ અને રેકોર્ડબ્રેક મતદાન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તમામ રાજકીય પક્ષના આગેવાનોએ અપીલ કરી હતી, પરંતુ દિવસના અંતે શહેરની ચારેય બેઠકનું સરેરાશ મતદાન 59.91 ટકા થયું હતું. શહેરની પૂર્વ બેઠક પર 62.22, પશ્ચિમ બેઠક પર 57.03, દક્ષિણ બેઠક પર 58.60 અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર 61.74 ટકા મતદાન થયું હતું.