કોરોના કવચ લઈ લ્યો..બેન.. કોરોના સુરક્ષા પોલિસી લઈ લ્યો.. લઈ લ્યો ભાઈ લ્યો..

ભાવિની વસાણી

કોરોનાનાં નામે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલો સામાન્ય જનતાનાં ખીસ્સા ખંખેરતી આવી હોવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા હતા. આ જ સમયમાં બિલાડીના ટોપની જેમ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની કોરોના કવચ આપતી પોલિસીઓ ફૂટી નીકળી છે. ખાનગી હોસ્પિટલો કરતા પણ એક ડગલું આગળ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ કોરોના કવચ પોલિસીનાં નામે કમાઈ લેવા મેદાને પડી છે. કોરોનાકાળ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને કમાણી માટે કપરો નહીં પરંતુ સુવર્ણકાળ લઈ આવ્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓનો હેતુ વળતરનો નહીં પરંતુ વીમા સુરક્ષાના નામ પર લોકોના પૈસા ખંખેરવાનો હોય છે. ખાનગી હોસ્પિટલની માસીયાઈ બહેન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે.

કોરોનાના કાળા કહેરની વચ્ચે વીમા કંપનીઓ “કોવિડ કવચ” અને “કોવિડ રક્ષક” જેવી પોલિસીઓ લોન્ચ કરી ચૂકી છે. જે વીમાધારકને આ વાઇરસથી સંક્રમિત થયા બાદ આર્થિક વળતર આપે છે, પરંતુ શું જે વ્યક્તિ પાસે રેગ્યુલર હેલ્થપોલિસી હોય તેમણે પણ ખાસ કોરોનાને લગતી પોલિસી કે મેડિકલેઇમ પ્લાન લેવાની જરૂર છે ખરી? તે જાણવું સામાન્ય જનતા માટે ખૂબ જ જરૂરી બન્યું છે, નહિતર ભેરવાઈ જતાં પણ વાર લાગશે નહીં. તેથી શોભાના ગાંઠિયાં સમાન કોરોના કવચ પોલિસી લેતા પહેલા સો વાર વિચારવું જરૂરી છે. જુલાઈ મહિનાથી 3.5, 6.5 અને 9.5 મહિનાની પોલિસીઓમાં લઘુતમ રૂ.260થી શરૂ કરી 50 હજારથી 5 લાખ સુધીના કવર આપતી હોય તેવી કુલ 29 જેટલી સરકારી તથા ખાનગી કંપનીઓ કામ કરી રહી છે. જેમાં ઓરિએન્ટલ, નેશનલ, એસબીઆઈ જનરલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એચડીએફસી અર્ગો, મેક્સ બૂપા, બજાજ એલિયાન્સ , ભારતી એક્સા અને ટાટા એઆઈજી વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટના વીમા પોલિસીના એક જાણકાર તેમજ આર્થિક સલાહકાર નામ ન આપવાની શરતે જણાવે છે કે “વર્તમાન સમયમાં સીઝન પ્રમાણેની ચીજવસ્તુઓ વેચતા સીઝન સ્ટોરની જેમ વીમા કંપનીઓ પણ લોકોના ડરનો લાભ લઈ કમાણી કરવા મેદાનમાં ઉતરી છે, જેઓ પાસે અગાઉથી વીમા પોલિસી હોય તેમના વીમા કવરમાં સંપૂર્ણ મેડિકલેઇમ કવર થઇ જતું હોય છે. તો પછી આ પોલિસી લેવાની જરૂરિયાત રહેતી જ નથી.ખરેખર જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના માટે આ કોરોના પોલિસી લેવી હિતકારક છે એવું ઘણા કહી રહ્યા છે. જ્યારે એવી પોલિસી લેવી જોઈએ કે જેમાં તમામ પ્રકારના મેડિકલેઇમ કવર થઈ જતા હોય તેમજ માત્ર કોરોના સામે નહીં પરંતુ તમામ પ્રકારના રોગો સામે આર્થિક સુરક્ષા પૂરી પાડતી હોય.

અન્ય એક નિષ્ણાત જણાવે છે કે “કોરોનાના નામથી નીકળેલી આ બન્ને કોઈ નવી પોલિસી નથી માત્ર કોમ્બિનેશન છે. નવા પેકેટમાં જૂની પોલિસી વેચવા માટે અલગ નામ અપાયા છે. ’કોવિડરક્ષક’ એ ક્ષતિપૂર્તિ માટેની પોલિસી છે. જે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે થયેલા સંપૂર્ણ ખર્ચને ભોગવે છે, કે જેટલાનું સમએસ્યોર્ડ હોય. જ્યારે ’ કોવિડકવચ’ હોસ્પિટલની સારવાર દરમિયાન થયેલા જેમાં રૂમના ભાડા તેમજ નર્સિંગ સહિતના વાસ્તવિક ખર્ચને પણ સમાવે છે. બંનેના દાવા માટે વેઇટીંગ પિરિયડ લઘુતમ 15 દિવસનો હોય છે. વળી જેમની પાસે પહેલેથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તેઓ કોરોના કવચ પોલીસી લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે ત્યારે તેને બોનસનો દાવો જૂની પોલિસીમાંથી જ કારણ કે આ ટૂંકાગાળાની પોલિસી છે. બંને પોલિસીનો મુખ્ય લાભ માત્ર લાંબા સમય સુધી પ્રીમિયમ ચૂકવવું પડતું નથી તે છે. કોરોના કવચ પોલિસી સસ્તી હોવાથી બધા લઈ રહ્યા છે પણ કોરોના કવચ પોલિસીનો લાભ કેટલાને થયો સૌથી મોટો પ્રશ્ન છે.

એવામાં અમુક નિષ્ણાત કહી રહ્યા છે કે “કોરોના વિશે સ્વાસ્થ્ય કવર કરતી કોરોના કવચ અને કોરોના રક્ષક પોલિસી એ લોકો માટે કારગત સાબિત થાય છે, જે લોકો કોરોના વાયરસના કારણે સ્વાસ્થ્ય ખર્ચા માટે ટૂંકાગાળાના કવર દ્વારા વળતરની અપેક્ષા રાખતા હોય. પરંતુ આગામી વર્ષ સુધીમાં કોરોના જતો રહેશે ત્યારે તે લોકોને તેમની આ વિશેષ પોલિસીનો લાભ મળશે નહીં અને રૂપિયા ભર્યા હશે તો તે પણ જતા રહેશે. આ પોલિસી ઘણા બધા લોકોને ભવિષ્યમાં જોખમમાં મૂકી શકે છે.” જ્યારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના વડાએ જણાવ્યું છે કે “કોરોનાનાના કહેર વચ્ચે મેડિકલેઇમના નામે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લૂંટ કરતી હોવાની એક હજાર જેટલી ફરિયાદો ગ્રાહક સુરક્ષા સમિતિને મળી છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવ્યા બાદ કેશલેસ મેડિકલેઇમ હોવા છતાં નાણાં ચૂકવવામાં આ કંપનીનો દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત પીપીઈ કિટને નોન મેડિકલ સુવિધા ગણીને તેના નાણાં વસૂલી દર્દીને નાણાં પરત આપતા ન હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ તમામ બાબતો મુદ્દે એરડા સમક્ષ રજૂઆત કરવાની ગ્રાહક સુરક્ષા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.”

આથી કોરોના કવચ પોલિસી લેતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે પોલિસીઓના પ્લાન હેઠળ કોરોના તથા સ્વાઈન્ફ્લુ જેવી મહામારી વખતે તમને કવરનો લાભ મળશે કે કેમ ? આવી વીમા પોલિસી લીધા બાદ દાવો કરવા માટેની સમયમર્યાદા 30 દિવસની હોય છે. આવી હેલ્થ પોલિસી ખરીદતી વખતે જે પોલિસીમાં વધુમાં વધુ ચીજો જેમકે ટેસ્ટનો ખર્ચ અને એમ્બ્યુલન્સના ખર્ચ કવર થઈ જતો હોય તેવી પોલીસી લેવી જોઈએ. કેટલીક કંપનીઓમાં 48 તો કેટલીકમાં માત્ર 36 મહિનાના કવર હોય છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રીમિયમ પોલિસી સાથે સરખામણી કરવી જોઈએ. જેથી તમને મહત્તમ લાભ મળે. આ ઉપરાંત હેલ્થ પોલિસીનો મહત્તમ નેટવર્ક હોસ્પિટલના સમૂહમાં તેનો સમાવેશ થાય છે કે નહીં ? લિમિટ કે સબલિમિટ વાળી પોલિસીની પસંદ કરવામાં ભૂલ કરી બેઠા હોયતો વધારાનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી જ કાઢવાની તૈયારી રાખવી પડશે.

એક તરફ દેશભરમાં જે રીતે સારવાર ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી વધી રહી છે, એવી સ્થિતિમાં યથાયોગ્ય પોલિસી નહીં લેવાના કારણે કોઈ આમ આદમીની જિંદગીભરની કમાણી સાફ થઈ શકે છે. એવામાં માત્ર રાજકોટની જ વાત કરીએ તો રાજકોટની વસ્તી અંદાજે 20 લાખ હોય અને બે લાખ લોકો કોરોના કવચ પોલીસી લે છે, ત્યારે ગ્રાહકોને લાભ મળે કે ન મળે વીમા કંપનીઓને અંદાજે બે કરોડની આવક થાય છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ગામે ગામ વીમા પોલિસીઓ કંપની વેચતી હોય છે ત્યારે કોરોના કવચના કારણે તેમનો નફો કેટલા કરોડોમાં હશે તે વિચારવું રહ્યું..!! આથી વીમા પોલિસી માત્ર કોરોનાને ધ્યાનમાં રાખીને લેવા કરતાં સંપૂર્ણ વીમાકવચ પણ કેટલીક સાવચેતી સાથે લેવામાં આવે તે હિતાવહ છે.