જગદીશ આચાર્ય

ગુજરાત ભાજપના નવા ‘નરેશ’ સી. આર. પાટીલ ભાઉની સવારી ગત સપ્તાહે સૌરાષ્ટ્રની નગરચર્યાએ નીકળી હતી.  કોરોનાની રાવ અને રાડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગની રેવડી દાણાદાણ કરતી પોતાના ‘રાવ’ની રવેડીથી ભાજપ સમર્થકોની ચકલી એવી ફુદેકે ચડેલી કે જાણે પાટીલે અશ્વમેઘ આરંભ્યો હોય અને ગુજરાતના 182 કિલ્લા ફતેહ કરવા ઘોડા છૂટ્ટા મુક્યાં હોય! એ હરખની હેલીમાં કંઈક એવા હાલ થયાં કે ઘોડાં તો છોડો ગધેડાં પણ શરમાઈ જાય. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે પાટીલ ભાઉના સ્વાગત અને સન્માન માટે કાર્યકરોએ એ રીતે ભેગા થઈને ગરબા લીધાં કે જાણે વૌઠાનો મેળો ભરાયો હોય!

ગુજરાતમાં રાજા અને રૈયત વચ્ચેનો ફરક ઉડીને આંખે વળગી રહ્યો છે. રૈયત માસ્ક પહેરવામાં કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનમાં સહેજ પણ ચૂક કરે તો તરત મેમો ફાટે, પણ આ રીતે જાહેર જીવનને ‘જલિકટ્ટુ’ બનાવી દેનારા રાજકીય આખલાઓ સામે પોલીસની ફેં ફાટે છે. પાટીલ ભાઉએ રાજકોટની નગરચર્યા કરી ત્યારે હચોડા રોડ બ્લોક થયા એ હદની ભીડ ઉમટી પણ ફટ્ટ છે જો ગરીબોની તશરિફો લાલ કરી દેનારા પોલીસના ધમાલિયા ધોકાને ડુબી મરવાનું મન થયુ હોય તો… કાયદા પાલનની વાત આવે ત્યારે કિડીને કોશનો દંડ કરનારું તંત્ર ખેતરો ઉજાડી નાંખનારા પાડાને ગલગલિયા પણ કરી શકતું નથી. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય? એને કહેવાની કોઈની હિંમત નથી થતી એમાં જ તો એ લોહી ચાખી જતો હોય છે.

આ લોકશાહી નથી. લોકશાહીના નામે વિકૃત મજાક ચાલી રહી છે. લોકશાહીમાં તો નિયમ અને કાયદો સૌના માટે સમાન હોય. બે ઘરાક વધુ ભેગા થઈ જાય તો પાનના ગલ્લાવાળાઓને દસ દસ હજારનો દંડ ઠોકી દેનારા, સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગના નામે આખાને આખા મોલ બંધ કરાવી દેનારા, માસ્ક અને સેનિટાઈઝેશનના નામે લોકોના ધંધા પર ‘ધાડ’ પાડી આવનારા તંત્રના અધિકારીઓ અને ‘સિંઘમો’ નેતા-નેતુડીઓને પણ યથાયોગ્ય ‘પોખવા’ના બદલે ‘જોખવા’ માંડે ત્યારે ‘બનાના રિપબ્લિક’ના ‘મેંગોમેન’ પાસે લમણે હાથ મુકીને મોં વકાસીને જોઈ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જોકે, એ આમઆદમીને આ સ્થિતિમાં લાંબો સમય રાખવો બહુ સારો નહીં. એની હાયમાં ભલભલા સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડવાની તાકાત હોય છે.

જસ્ટ ઈમેજિન કે નેતા ‘પાટીલ’ના બદલે ફોર એક્ઝામ્પલ કોઈ ‘પઠાણ’ હોત અને ટોળાંના ખેસનો રંગ ભગવાના બદલે લીલો હોત તો આ જ ભાજપમાંથી કેવા કેવા રિએક્શન્સ આવતા હોત?

નેતા દાખલો બેસાડનારો હોવો જોઈએ દાખલા બગાડનારો નહીં. એકતરફ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કારણે લોકોના લગ્ન અને મરણ પ્રસંગો યોગ્ય રીતે પાર ન પડી રહ્યાં હોય, લોકો કાયદેસર ધંધો પણ ડરી ડરીને કરી રહ્યાં હોય એ સંજોગોમાં કોઈ પણ પક્ષ કે પાર્ટીનો નેતા ભીડ ભેગી કરીને તાયફા કરે તો સમાજમાં કેવો દાખલો બેસે?

ભાજપના ભાઉની આ જાહેર ભવાઈએ વધુ એકવાર સાબિત કર્યું કે – ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’ અને ‘સત્તા સામે શાણપણ નકામુ’. લેખક બી. એન. દસ્તુરની કોઈ કિતાબમાં એક ક્વોટ વાંચેલું કે – ‘આ દુનિયા એ નિયમ પર ચાલે છે કે જો તમે દસ ટનનો ટ્રક લઈને નીકળ્યાં હોવ તો બીજા વાહનો અને રાહદારીઓની ઐસી કી તૈસી.’ પાટીલ ભાઉ સત્તાનો એ જ દસ ટનનો ટ્રક લઈને બીભત્સ કહી શકાય એ હદનું શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. સત્તાનશીનો અનાવૃત્ત થઈ ગયાં છે. પોલીસના પગ પાક્યાં છે અને તંત્રને આંખો આવી છે.

ફ્રી હિટ :

लूट मची है चारों ओरसारे चोर

इक जंगल और लाखों मोरसारे चोर

इक थैली में अफसर भी, चपरासी भी

क्या ताकतवर, क्या कमजोरसारे चोर

उजले कुर्ते पहन रखे हैं, सांपों ने

यह जहरीले आदमखोरसारे चोर

झूठ नगर में, रोज निकालो मौन जुलूस

कौन सुनेगा सच का शोरसारे चोर

हम किसकिस का नाम गिनाएराहत खां

दिल्ली के आवारा ढोरसारे चोर

राहत इंदौरी