જાણીતા લોકસાહિત્યકાર પ્રિય યશવંત લાંબાનો રંગારંગ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠિ રાજકોટ મહાનગર દ્વારા સ્નેહમિલન પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર પ્રિય યશવંત લાંબાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. માસિક મિલન પ્રબુદ્ધ યાત્રા 14 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠિ આયોજીત ત્રિવિધ કાર્યક્રમો સભાસદોનું પારિવારિક સ્નેહમિલન, વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર સભાસદોનું અભિવાદન તથા હેમંતની ઢળતી સંધ્યાએ સમર્થ લોકસાહિત્યકાર યશવંતજી લાંબાના કંઠે જનની જન્મભૂમિની અભ્યર્થના કરતો લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાયો હતો.
વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષના સ્નેહમિલનના આયોજનની સાથે રાજકોટ નાગરિક સહકારી બેંકની તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા માસિક મિલનના ત્રણ સભ્યો સર્વ હસુભાઈ ચંદારાણા, ડો. એન. જે. મેઘાણી તથા ચાર્ટર્ડ એકાઉન્ટ ભૌમિક શાહનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો.આ તકે યશવંતભાઈએ ચારણી શૈલીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત હિંગળાજ માતાજીની યાત્રાના સંભારણા રજૂ કર્યા. વાલ્મીકિ રામાયણમાં વર્ણન છે કે, જ્યારે રાવણને મારી લંકા પર ભગવાન રામે વિજય મેળવ્યો ત્યારે લંકાવાસીઓએ શ્રી રામચંદ્રજીને લંકાનું રાજ્ય સ્વીકારી લંકાના રાજા બનવા વિનંતી કરેલ હતી પરંતુ રામે એક જ જવાબ આપ્યો હતો, જન્મ આપનાર માતા અને જે ભૂમિ પર જન્મ લીધો તે જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. મને આ સોનાની લંકા કરતા મારી અવધભૂમિ વધુ વહાલી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટમાં વસતા પ્રબુદ્ધ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વિકસાવવાના એક માત્ર હેતુથી માસિક મિલન પ્રબુદ્ધ ગોષ્ઠિની સ્થાપના ચોથી જુન 2012માં ડો. કમલસિંહ ડોડીયાના નેતૃત્વમાં થઈ હતી. માસિક મિલનનો ઈતિહાસ તાજો કરતા ડો. શીલુએ જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થા કે મહાકાર્યના શરૂઆત સંઘર્ષ અને કષ્ટથી ભરપૂર હોય એ સ્વભાવિક છે. પરંતુ સતત નવ વર્ષ સુધી ડો. ડોડીયાના નેતૃત્વ નીચે માસિક મિલનનું કાર્ય સાતત્ય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું રહ્યું. રાજકોટ મહાનગરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય પ્રબુદ્ધોનો સંપર્ક કરી દર મહિને પહેલા સોમવારે એક સંગોષ્ઠિ આયોજન કરી મળતા રહ્યાં. 14 વર્ષે પૂર્ણ થયા છે. અધિષ્ઠાન માતૃભૂમિની ભક્તિ આરાધનાનું હોય લોકો સામેથી જોડાતાં ગયા અને કારવાં બનતા ગયાં. 13 વર્ષ પછી આજે પ્રબુદ્ધ ગોષ્ઠિના સભ્યોની સંખ્યા 1200થી વધુ છે. આ બધા જ પ્રબુદ્ધ નાગરિકો વર્ષમાં બે વાર તો મળીએ જ છીએ.
નિયમિત રીતે આજે પણ ઉદ્યોગપતિ અને કાલાવડના સ્વયંસેવક દીપકભાઈ પટેલના નેતૃત્વ નીચે દર મહિનાના પ્રથમ સોમવારે વ્યાખ્યાન રાખવામાં આવે છે. આ પ્રકારના માસિક મિલન ઉપરાંત દર છ મહિને રાજ્ય કક્ષાની પ્રતિભાશાળી વ્યક્તિની ઉપસ્થિતિમાં વિશાળ ચિંતન વર્ગ રાખવામાં આવે છે.માસિક મિલનના બેનર તળે યોજાતા આ ચિંતન વ્યાખ્યાનમાં વક્તા તરીકે વિશ્ર્વખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, ગુજરાતના ગૌરવ એવા હાસ્યસાહિત્યકાર સાંઈ રામ દવે, પ્રખર રાજનીતિજ્ઞ રાકેશજી શર્મા, જાણીતા દાર્શનિક ભૈયાજી જોશી જેવા વિદુષીઓના કાર્યક્રમ યોજાયા હતા. આજના આ ત્રિવિધ કાર્યક્રમોના સમારોહના અધ્યક્ષ ડો. કમલસિંહ ડોડીયા કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની જવાબદારી સંભાળે છે ત્યારે સ્વાભાવિક છે કે સૌ સભ્યો ગર્વ અને ગૌરવ અનુભવે!
આવા પ્રેરણાસ્ત્રોત જેવા કમલભાઈનું અભિવાદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ, કિશોરભાઈ મુગ઼લપરા, નરેન્દ્રભાઈ દવે, નલીનભાઈ વસા, રાજકોટ મહાનગર સંઘચાલકજી ડો. જીતેન્દ્ર અમલાણી, પંકજભાઈ રાવલ, ઓમભાઈ હળવદિયા, માસિક મિલનના કાર્યવાહ સર્વે દીપકભાઈ પટેલ, મુખ્ય શિક્ષક ડો. એન. ડી. શીલુ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જેમ કે અધિવક્તા ગણના અગ્રણી સંજય વ્યાસ, જયેશ જાની, ડોક્ટર ગણના અગ્રણી સર્વે શાન્તનુ જીવાણી, ડો. અમીષ મહેતા, ડો. વલ્લભભાઈ કથીરીયા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, શાળા સંચાલક ગણના વિરમભાઇ રાઠોડ, નરેન્દ્ર ભાડલીયા, પ્રોફેસર ગણના મનીષભાઈ શાહ, નિકેશભાઈ શાહ, અશ્ર્વિનીબેન જોષી, અધિકારી ગણના ચેતનભાઈ દવે, ગોપાલભાઈ પટેલ, એ. ડી. પરમાર ઉદ્યોગપતિ ગણના જયભાઈ, કેતનભાઈ, વિનીતભાઈ, વ્યાપારી ગણના નિલેશભાઈ વોરા, પ્રફુલ્લભાઈ વોરા સહિતના 150થી વધુ નિયમિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.