ડીઇઓના પરિપત્રમાં ગમે તે કલરના સ્વેટર પહેરવા દેવાનો આદેશ છતા શાળાઓનો ખાસ કલર અને ચોક્કસ દુકાનેથી ખરીદવા આગ્રહ
શાળાઓની મનમાની સામે DEO ધ્રૃતરાષ્ટ્રની ભૂમિકામાં ?
- Advertisement -
પુસ્તક, યુનિફોર્મ બાદ સ્વેટર ખરીદીમાં સ્કૂલોનું કમિશન હોવાની ઉઠતી રાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએ થી જ પુસ્તકો ખરીદવા આગ્રહ રાખતા હોવાની ફરિયાદો બાદ હવે શિયાળામાં ચોક્કસ કલરના જ સ્વેટર અને તે પણ નક્કી કરેલી દુકાનેથી જ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી છે. શિયાળાની ઠંડીથી બચવા વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કર્યો હોવા છતાં શાળાઓ તેને ઘોળીને પી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટની મોદી, ધોળકિયા, ગૌતમ, મહાત્મા ગાંધી, આત્મીય સહિતની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા દબાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે કોંગ્રેસે હેલ્પલાઈન શરૂ કરતા તેમાં પણ વાલીઓની ફરિયાદો આવી રહી છે.
રાજકોટમાં શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના ચોક્કસ જગ્યાએથી ખરીદેલા સ્વેટર જ પહેરવા માટેની સૂચનાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનુ દબાણ નહીં કરી શકે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ રાજકોટ શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રનો સરેઆમ ઉલાળીયો કરી રહી છે. જેમાં મોદી, ધોળકિયા, ગૌતમ, મહાત્મા ગાંધી, આત્મીય સહિતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અને નિશ્ર્ચિત કરેલી દુકાનેથી મળતા સ્વેટર લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જેના કારણે વાલીઓ દ્વારા કહેવાઇ રહ્યું છે કે, સ્કૂલો દ્વારા દુકાનો પાસેથી કમિશન લેવામાં આવી રહ્યું છે. કેવડાવાડીમાં આવેલી ગૌતમ સ્કૂલના વાલી જણાવે છે કે મારો નાનો પુત્ર ધોરણ 1માં તો મોટો પુત્ર ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ગત વર્ષ સુધી તેઓને નેવી બ્લુ સ્વેટર પહેરવાનું હતું પરંતુ આ વર્ષથી ફરજિયાત જાકેટ લેવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં સ્કૂલ બેગ પણ શાળાનાં નામવાળી જ રૂ. 400ની ફરજિયાત લેવાનું કહેવામાં આવે છે.
- Advertisement -
સ્કૂલે સૂચવેલી ચોક્કસ દૂકાનેથી બે ગણા ભાવે સ્વેટર ખરીદવા પડે છે!
એક બાળકના વાલીએ જણાવ્યું હતું કે, મારું સંતાન મોદી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને એવું દબાણ કરવામાં આવે છે કે સ્વેટર તમે આ દુકાનેથી જ લેજો. સાથે જ ચોક્કસ કલરનું સ્વેટર લેવા માટે પણ દબાણ કરવામાં આવે છે. જોકે નિયમ એવો છે કે કોઈપણ સ્કુલ કોઈપણ વિદ્યાર્થીને ચોક્કસ રંગનું અને ચોક્કસ જગ્યાએથી ખરીદેલું સ્વેટર પહેરવા માટે દબાણ ન કરી શકે. આ પ્રકારનો રાજ્યના શિક્ષણ વિભાગનો પરિપત્ર છે અને જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ પરિપત્ર છે તેમ છતાં પણ તેનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્કૂલ દ્વારા જે જગ્યાએ સ્વેટર લેવા માટે મોકલવામાં આવે છે તે જગ્યાએ રૂપિયા 800 થી 1000 રૂપિયામાં સ્વેટર મળે છે જેની બજાર કિંમત હકીકતમાં રૂ. 400 થી 500 જ હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સ્વેટરના નામે વધુ નાણા પડાવે છે તે વાત ખૂબ જ ગંભીર અને અયોગ્ય છે.