હવાઈમાર્ગે યુવકનો મૃતદેહ વડોદરા લવાશે
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરાના શહેરના ફતેપુરા વિસ્તારમાં પીતાંબર પોળમાં રહેતા અને ગૌરક્ષા સમિતિ કાર્યકર્તા યુવકનું અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ખાતે હોસ્પિટલમાં સતત ત્રણ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકના મૃતદેહને શ્રીનગરમાં પોસ્ટમોર્ટમ બાદ વિમાન માર્ગે વડોદરા લાવવામાં આવશે.
- Advertisement -
વડોદરા શહેરના ગૌરક્ષા સમિતિ કાર્યકર્તા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા 32 વર્ષીય ગણેશ કદમ મિત્રો સાથે બાબા અમરનાથના દર્શને અર્થે અમરનાથ યાત્રાએ ગયા હતા. જોકે બાબા અમરનાથના દર્શન કરે તે પહેલા જ ગણેશભાઈની પહેલગામમાં ખાતે અચાનક તબિયત લથડી હતી. ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ હતી. જેથી તેમને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં જ તેમને સતત બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું. સ્થાનિક નગરસેવક સચિન પાટડીયાએ જણાવ્યું હતું કે,અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષીય ગણેશ ભાઈને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે અને તેમને પિતાની છત્રછાયા ગુમાવી છે. જયારે અમારા ગૌરક્ષા સમિતિ માટે પણ આ માઠા સમાચાર છે. ગણેશભાઇ કદમનું દુખદ અવસાન થયું હોવાના સમાચાર મળતા જ ગૌરક્ષા સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગણેશભાઈ હંમેશા ગાય માતાની સેવા હોય, કોઇ પણ પ્રાણીઓની સેવા હોય તેઓ હંમેશા આગળ રહેતા હતા. આજે શ્રીનગર ખાતે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે.