આજે નવા વર્ષની પ્રથમ સંકષ્ટ ચતુર્થી એટલે કે સંકટ ચોથ છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે.

દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે. સંકટ ચોથનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. ભગવાન ગણેશને બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજે અમે આ લેખમાં જણાવીશું કે સંકટ ચોથના દિવસે શું ન કરવું જોઈએ. જો તમે તે કામ કરો છો તો ગણેશજી તમારાથી નારાજ થઈ શકે છે.

સંકટ ચોથ 2023 પર શું કરવું?

1.સૌથી પહેલી વાત એ છે કે આજના દિવસે પૂજાના સમયે તમે વામાવર્તી એટલે કે ગણેશ મૂર્તિનું પૂજન કરો, જેમની સૂંઢ ડાબી તરફ વળેલી હોય. આ ગણેશજી સહેલાઈથી પ્રસન્ન થઈ જાય છે અને સામાન્ય વિધિથી તેમની પૂજા થાય છે.

2. જો તમે દક્ષિણાવર્તી સૂંઢવાળા ગણપતિની પૂજા કરો છો તો સામાન્ય વ્યક્તિ માટે તેમની પૂજા કરવી મુશ્કેલ છે. તેમાં તમારે પૂજાની તમામ વિધિઓનું પાલન કરવું પડશે. તમારે આ પૂજા કોઈ બ્રાહ્મણ પાસે વિધિ વિધાનથી કરાવવી પડશે.

3. શુભ કાર્યોમાં હંમેશા લાલ, કેસરી, લીલા, પીળા રંગનો ઉપયોગ થાય છે. આ દિવસે કાળા રંગના કપડાં ન પહેરો. કાળો રંગ અશુભ માનવામાં આવે છે.

4. ગણેશજીની પૂજા કર્યા બાદ તમારે ચંદ્રની પૂજા કરવાની છે. આજે રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રતનું પારણ કરો. આના વિના વ્રત પૂર્ણ નહીં થાય. અર્ઘ્ય અર્પણ કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પગ પર પાણીના છાંટા ન પડવા જોઈએ.

5. ગણેશજીની પૂજામાં તુલસીનો સમાવેશ કરવો વર્જિત છે.

સંકટ ચોથ તિથિ
10 જાન્યુઆરી, 2023 શુભ મુહૂર્ત

સંકટ ચોથનો પ્રારંભ
10 જાન્યુઆરી, 2023 બપોરે 12:24 વાગ્યે, ચતુર્થી તિથિ સમાપ્ત- 11 જાન્યુઆરી, 2023 બપોરે 02:46 વાગ્યે, ચંદ્રોદય સમય – 08:28 રાત્રે.

સંકટ ચોથ વ્રત 2023 પૂજા મુહૂર્ત
10 જાન્યુઆરીએ સવારે 09:52થી બપોરે 01:47 સુધીનો સારો સમય છે. આમાં પણ લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 11:10 થી 12:29 સુધી અને અમૃત-સર્વોત્તમ મુહૂર્ત બપોરે 12:29 થી 01:47 સુધી છે.

સંકટ ચોથ વ્રતનું મહત્ત્વ
માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. ગણેશજીના આશીર્વાદથી પણ તમામ સંકટ દૂર થાય છે. કામમાં આવતી અડચણો અવરોધો દૂર થાય છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમામ મનોકામના પૂરી થાય છે.