સ્થાનિક નેતાઓ કે રાજ્યકક્ષાનાં નેતાઓ કે પાર્ટીને ભ્રષ્ટાચાર રોકવામાં કોઈ રસ ન હોવાની ઉપસતી છાપ

હાઈકોર્ટમાં સેંકડો પુરાવા રજૂ કરાશે અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાનાં તપેલાં ચડી જવાનું નક્કી

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ મળીને ગણવેશ, પુસ્તકો, ગણિત-વિજ્ઞાનના સાધનોથી લઈ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યા અંગેની પીઆઈએલ હાઇકોર્ટેમાં કરવામાં આવશે. રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તેમજ ભ્રષ્ટાચારીઓ સજા અપાવવા એક સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટે આશરે અઢીસો પાનાંમાં જાહેર હિતની અરજી તૈયાર કરી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પંડિત, શાસનાધિકારી પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ સદાદિયાના ભ્રષ્ટાચાર સામે હવે કાનૂની રાહે લડત શરૂ થઈ ચૂકી છે.

સમાધાન થઈ ગયાની અફવાઓ ફેલાવનારા પંડિત-પાઠક એન્ડ કંપની જેવા ભ્રષ્ટ લોકોને ‘ખાસ-ખબર’માં પ્રવેશ પર જ પ્રતિબંધ છે

ખાસ-ખબર કાર્યાલયમાં ભ્રષ્ટ લોકોને પ્રવેશ કરવાની સદંતર મનાઈ હોય રાજકોટ શિક્ષણ સમિતિના વર્તમાન ચેરમેન અતુલ પંડિત, ભૂતપૂર્વ ચેરમેન કિરીટ પાઠક એન્ડ કંપનીને ખાસ-ખબરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ખાસ-ખબર શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું હોય તરહતરહની શંકા-સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન અતુલ પંડિત, કિરીટ પાઠક એન્ડ કંપનીએ કરેલા ભ્રષ્ટાચાર મામલે સંઘ-ભાજપની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અતુલ પંડિત અને કિરીટ પાઠક ખાસ-ખબર સાથે સમાધાન થઈ ગયાની અફવાઓ ફેલાવી રહ્યા છે. હકીકતમાં ખાસ-ખબર કાર્યાલયમાં પ્રવેશ કરવા પ્રયત્નો કરતા રહેતા પંડિત-પાઠક જેવા ભ્રષ્ટાચારીઓને નો-એન્ટ્રી છે. નખશિખ ખોટું બોલવા અને ખોટું જ કરવા ટેવાયેલા અતુલ પંડિત તથા કિરીટ પાઠકની વાતોમાં કોઈએ ફસાવવું નહીં.

પંડિત, પરમાર અને સદાદિયાના સામ, દામ, દંડ, ભેદ સામે ‘ખાસ-ખબર’ અખબારી ધર્મ નહીં ચૂકે

‘ખાસ-ખબર’ અખબાર શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારની પોલ ખોલવાનું બંધ કરે તે માટે ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. પંડિત, પરમાર, સદાદિયાએ લાગતાવળગતા લોકો પાસે તેમના વિશેની ખબરો ન પ્રસિદ્ધ કરવા માટે ફોન કરાવ્યા હતા. જ્ઞાતિ અને પક્ષના કેટલાંક લોકોને આડે ઉતાર્યા હતા. છેવટે શાસનાધિકારી કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા ખાસ-ખબર કાર્યાલય પર આવી પોતપોતાને બક્ષી દેવા બેહાથ જોડી ગયા હતા. છતાં ખાસ-ખબરે કોઈની પણ શેહશરમ વિના સત્યને ઉજાગર કર્યું હતું. અંતે દિનેશ સદાદિયાએ નોટિસ પણ આપી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ તેમની તરફેણમાં કશું થયું નહતું. ખાસ-ખબરે કોઈપણ કસર છોડ્યા વિના શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાનું ચાલુ રાખ્યું છે અને તેઓ જ્યાં સુધી પોતાના ગોરખ ધંધા બંધ નહીં કરે ત્યાં સુધી તેમને બક્ષશે નહીં.