10 વર્ષથી રજૂઆત કરતા હોવા છતાં સુવિધા ન મળતાં મહિલાઓ મેદાને પડી
પાણીની લાઈન નખાઈ ન હોવાથી રોડ પણ બન્યા નથી, વેરો ભરવા છતાં નથી મળી સુવિધા
- Advertisement -
વિધાનસભાની ચૂંટણીમાં મતબહિષ્કારની ચીમકી અપાતા બાંહેધરી અપાઈ પણ લોકસભાની ચૂંટણી સુધી કામ ન થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં ભળેલા મોટામવા ગામની 25થી વધુ સોસાયટીની મહિલાઓએ રવિવારે કાલાવડ રોડ પર ચક્કાજામ કર્યો હતો માટલાં ફોડ્યા હતા જેથી ટ્રાફિકજામ થતાં મનપા અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
- Advertisement -
મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાણીની લાઈન ન હોવાથી ટેન્કર મગાવવા પડે છે અને પાણીની અત્યારથી જ ભારે તંગી થઈ રહી છે. આ ઉપરાંત રોડની હાલત એટલી બિસ્માર છે કે ફેરિયાઓ પણ તેમના વિસ્તારમાં આવી શકતા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇપણ પરિણામ આવતું નથી. વિધાનસભાની ચૂંટણી વખતે વિસ્તારવાસીઓએ મતદાનના બહિષ્કારની ચેતવણી આપી હતી તે સમયે આગેવાનોએ આવીને બાંહેધરી આપી હતી કે, સુવિધા મળશે પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને રોડ-રસ્તા બંધ કર્યા છે. સોસાયટીના રહેવાસીઓને 10 વર્ષથી પ્રાથમિક સુવિધા મળતી નથી રૂડામાં પણ રજૂઆતો કરી થાક્યા હતા. જ્યારે વિસ્તાર મનપામાં ભળ્યો ત્યારે આશા જાગી હતી અને તેથી જ તુરંત જ મનપાના વેરા ભરી દેવાયા હતા અને હજુ પણ નિયમિત ભરવામાં આવે છે. પણ, મનપા હજુ સુધી કોઇ સુવિધા આપી શકી નથી.
પાણીની લાઈન માટે 47 કરોડનું ટેન્ડર મંજૂર થયું ત્યારબાદ રોડનો વારો આવશે! મોટામવાની સ્થિતિ અંગે મનપાએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવા માટે ટેન્ડર કરાયા હતા અને 47 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર મંજૂર થયું છે અને વર્કઓર્ડર પણ આપી દેવાયા છે.
ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને વર્ષના અંત સુધીમાં પાઈપલાઈન બિછાવી દેવાશે. એક વખત પાઈપ બિછાવાય જાય ત્યારબાદ જ રોડનું કામ ચાલુ થઈ શકે તેમ છે. આ ગણતરી જોતા મોટામવા વિસ્તારના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ માટે હજુ દોઢ વર્ષ જેટલી રાહ જોવાની થશે તેવું લાગી રહ્યું છે. મોટામવાની 25 સોસાયટીમાં પાણીની લાઈન નાખવા અને વિસ્તારમાં રોડ બનાવા મુદ્ે રસ્તા પર બેસી જઈને ચક્કાજામ કરી મહિલાઓએ મહાનગરપાલિકાના તંત્ર અને નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો.