ચોકી બનાવવાની વર્ષો જૂની માંગણી ન સંતોષાતા લોકો વિફર્યા : ગ્રામજનોએ પોલીસની ગાડીને ઘેરી લીધી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં પંદરેક દિવસથી તસ્કરો હળવદમાં હાહાકાર મચાવી રહ્યાં છે તે દરમિયાન ગઈકાલે મંગળવારે હળવદનાં ચરાડવા ગામે સ્વામિનારાયણ મંદીર પાછળની શેરીનાં બંધ મકાનમાં ત્રણેક ઈસમો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં જેની જાણ થતાં ગ્રામજનોનું ટોળું એકઠું થઈ ગયુ હતુ અને એક ઈસમને રંગેહાથ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો જોકે અન્ય બે શખ્સો નાસી છૂટ્યા હતાં ત્યારે આ મામલે પોલીસને જાણ થતાં હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પરંતુ ચરાડવામાં પોલીસ ચોકી બનાવવાની પડતર માંગને લઈને ગ્રામજનોએ પોલીસની ગાડી આડે ફરી વળીને હલ્લાબોલ મચાવ્યો હતો અને અન્ય બે શખ્સો ન ઝડપાઈ ત્યાં સુધી ગાડીને ત્યાંથી ખસવા નહીં દેવાની જીદ પકડી હતી જોકે ચોરીના બનાવોમાં તટસ્થ તપાસની પોલીસ દ્રારા ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો.
હળવદ તાલુકાના ચરાડવા ગામમાં વધતા જતાં ચોરીના બનાવોને પગલે ગ્રામજનો થોડા દિવસથી જાતે જ રાત ઉજાગરા કરીને ચોકીદારી કરવા મજબુર બન્યા છે ત્યારે ગઈકાલે મંગળવારે બપોરે ચરાડવા ગામના નવા બનતા મકાનમાં ચોરીના ઈરાદે કેટલાક ઈસમો ઘુસ્યા હોવાનું ગ્રામજનોને જાણવા મળતાં ગ્રામજનોએ ત્યાં દોડી જઈને એક ઈસમને ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે ઈસમો નાસી ગયા હતા જેથી એક શકમંદને ઝડપી પોલીસને જાણ કરવામાં આવી હતી.
વારંવાર ચોરીના બનાવો બનતા હોવાથી આખું ગામ ભેગું થઈ ગયું હતું અને એસપી આવે પછી જ ચોરને લઈ જવા દેશું તેવી માંગ કરી હતી જો કે ડીવાયએસપી અને અન્ય પોલીસની ટીમોએ પહોંચીને સમજાવટ કરી હતી અને ગ્રામજનોએ કલાક કરતા વધુ સમય સુધી પોલીસની ગાડીને રોકી રાખ્યા બાદ આખરે જવા દીધા હતા.