કલેકટરે સુરક્ષા મુદ્દે ખાતરી આપતા સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ
દુષ્કર્મની ઘટના બાદ પાલિકાના સફાઈકર્મીઓ વીજળીક હડતાળ પર ઉતર્યા’તા !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી કારમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી ત્યારબાદ ફરિયાદ ન કરવાની ભોગ બનનાર મહિલાના પરિવારજનોને ધમકી આપવામાં આવી હતી.
આ ઘટના બાદ પાલિકાના સફાઈકર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સફાઈકર્મીઓ વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા જો કે ક્લેક્ટર દ્વારા તેમને પોલીસ પ્રોટેક્શન આપવાની અને છેવાડાના વિસ્તારોમાં મહિલાઓને રાત્રી સફાઇ માટે ન મોકલવાની માંગણી સ્વીકારી લેવામાં આવતા સમગ્ર મામલો થાળે પડયો હતો અને રવિવારથી ફરી સફાઈકર્મીઓ કામ પર ચઢ્યા હતા.
- Advertisement -
મોરબીના રવાપર ગામમાં સફાઈકામ કરતી મહિલા કર્મચારીનું અપહરણ કરી બે શખ્સોએ દુષ્કર્મ આચરવાનું હીન કૃત્ય કર્યું હતું જે બાદ સફાઈકર્મીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ઘટના બાદ સફાઈ કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા તેમજ શહેરના છેવાડાના વિસ્તારમાં રાત્રીના બદલે દિવસે સફાઇ કામ સોંપવા અને દિવસે ટ્રાફિકવાળા વિસ્તારોમાં રાત્રી સફાઈની જરૂર હોય તો એ સ્થળે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગણી કરી હતી. આ મુદ્દે જીલ્લા ક્લેક્ટર જી. કે. પંડ્યા દ્વારા આ બંને માંગણીઓને સ્વીકારીને વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભોગ બનનાર મહિલા અને તેના પરિવારજનોની માંગણીને સ્વીકારી તાત્કાલિક પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી ત્યારે સફાઈ કામદારોની માંગણી સ્વીકારી લેવામાં આવતા અંતે તમામ સફાઈકર્મીઓ ફરી રાબેતા મુજબ કામ પર ચડ્યા હતા.
આરોપીના પિતાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબીના ગ્રામ્ય પંથકના રહેવાસી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના માતા પર થયેલા દુષ્કર્મના કારણે તેઓ સિવિલ હોસ્પિટલ ગયા હતા અને રાત્રે તે માતા પાસે હતા ત્યારે આરોપી યુવાનના પિતા અને તેની સાથે ત્રણ માણસો હોસ્પિટલ આવ્યા હતા ત્યારે આરોપીના પિતાએ ફરિયાદીના માતાને જાતી પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો વાપરી અપશબ્દો બોલી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જે થયું તે પતાવી દો અને જે ફરિયાદ આપેલી છે તે ફરિયાદ પાછી ખેંચી લ્યો, નહીંતર જાનથી મારી નાખીશું. અમે રાજકીય વર્ગવાળા છીએ. અમારું કોઈ કાંઈ ઉખેડી શકે નહીં અને ફરિયાદ પાછી નહીં ખેંચો તો જાનથી મારી નાખીશું તેમ કહીને ફરિયાદી અને તેના માતાને ધમકી આપી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીના પિતા અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા ઈસમો એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.