હાર્દિક પંડ્યાને ટીમની કમાન: નવોદિત ચહેરા તરીકે યશસ્વી જયસ્વાલ-મુકેશ કુમાર-તીલક વર્માને અપાયેલી તક
સંજુ સેમસનની વાપસી: ઈશાન-ગીલને વધુ એકવાર અજમાવાશે: 3 ઑગસ્ટથી પાંચ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ
- Advertisement -
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ મહિને રમાનારી ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી એટલા માટે કમાન ફરી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ સહિતના ‘યંગબ્લડ’ને ટીમમાં તક આપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા વિન્ડિઝ પ્રવાસે પાંચ ટી-20 મુકાબલાની શ્રેણી રમશે. આ પ્રવાસ માટે પસંદગીકારોએ મહત્તમ યુવા ખેલાડીઓને વધુમાં વધુ તક આપવાનો નિર્ણય લીધો છે. નવા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના વડપણ હેઠળ પસંદ કરાયેલી આ પહેલી ટીમ છે.
મંગળવારે બીસીસીઆઈ દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં નવા ચહેરા તરીકે તીલક વર્મા, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારને જગ્યા આપવામાં આવી છે તો સંજુ સેમસનની વાપસી થઈ છે અને શુભમન ગીલ તેમજ ઈશાન કિશનને પણ ટીમમાં સમાવાયા છે.
- Advertisement -
પસંદ કરાયેલી ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીની સાથે જ રવિ બિશ્નોઈને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરો તરીકે યુવાઓ ઉપર જ વિશ્વાસ મુકાયો છે એટલા માટે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને મુકેશ કુમારને પસંદ કરાયા છે.
પાંચ મુકાબલાની ટી-20 શ્રેણીની પહેલી મેચ 3 ઑગસ્ટથી રમાશે. આ પછી બન્ને ટીમો છ અને આઠ ઑગસ્ટે ટકરાશે. 12 ઑગસ્ટે શ્રેણીની ચોથી અને 13 ઑગસ્ટે પાંચમો અને અંતિમ મુકાબલો રમાશે.