અકસ્માત પીડિતો માટે કેશલેસ યોજના: વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે મોદી સરકારની ઝાટકણી કાઢી, પરિવહન સચિવને સમન્સ પાઠવ્યા
સુપ્રીમ કોર્ટે બુધવારે મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ઘડવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને માર્ગ પરિવહન મંત્રાલયના સચિવને સ્પષ્ટતા માટે સમન્સ પાઠવ્યું હતું.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને મોડેથી ખુલાસો આપવા માટે રૂબરૂ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ એ.એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ચેતવણી પણ આપી હતી કે તે આ મામલે કોર્ટ અવમાનનાની કાર્યવાહી કરતા અચકાશે નહીં.
બેન્ચે કહ્યું કે, સરકારને આપવામાં આવેલો સમય 15 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. અમારા મતે, આ માત્ર આ કોર્ટના આદેશોનું ખૂબ જ ગંભીર ઉલ્લંઘન નથી પણ કાયદામાં ખૂબ જ ફાયદાકારક કલમ લાગુ કરવામાં નિષ્ફળતાનો પણ કેસ છે. અમે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રૂબરૂ હાજર રહેવા અને કેન્દ્ર સરકારની ભૂલ સમજાવવા નિર્દેશ આપીએ છીએ.
જસ્ટિસ ઓકાએ કહ્યું કે અમારી પાસે લાંબો અનુભવ છે. જ્યારે ઉચ્ચ સરકારી અધિકારીઓ અમારી પાસે આવે છે ત્યારે જ તેઓ કોર્ટના આદેશોને ગંભીરતાથી લે છે. નહિંતર કોર્ટ તેમને ગંભીરતાથી નહીં લે.
- Advertisement -
બેદરકારીને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે
જ્યારે મંત્રાલય તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જીએ જણાવ્યું હતું કે યોજના તૈયાર કરવામાં આવી છે પરંતુ તેના અમલીકરણમાં કેટલીક અવરોધો હતા. પરંતુ જસ્ટિસ ઓકાએ કહ્યું કે તમારી બેદરકારીને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આપણે આને હળવાશથી ન લઈ શકીએ.
અમે અવમાનના નોટિસ પણ ઇસ્યુ કરીશું
ન્યાયાધીશે કહ્યું કે અમે તે ખૂબ જ સ્પષ્ટ કહી રહ્યા છીએ. આ માટે અમે અવમાનના નોટિસ પણ ઇસ્યુ કરીશું, જો અમને લાગે કે કોઈ પ્રગતિ થઈ નથી. આ તમારો કાયદો છે. કેશલેસ સારવાર ન હોવાથી લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જ્યારે બેનર્જીએ કહ્યું કે અમે મોટી સંખ્યામાં બેઠકો યોજી છે અમે શક્ય તેટલો પ્રયાસ કર્યો છે.
અમે સમય બગાડી રહ્યા છીએ
જસ્ટિસ ઓકાએ કહ્યું કે અમે કોઈને દોષી નથી ઠેરવી રહ્યા. આ તમારો કાયદો છે. તેનો અમલ થયો નથી. અમે સચિવની વાત સાંભળીશું. તેમને સ્પષ્ટતા આપવા દો. નહિંતર અમે તમને નોટિસ મોકલી રહ્યા છીએ, અમે અવમાનના હેઠળ કાર્યવાહી કરીશું. અમે સમય બગાડી રહ્યા છીએ અને આવા ઓર્ડર આપી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે સરકારને 14 માર્ચ સુધીમાં ‘ગોલ્ડન અવર’ સમયગાળા દરમિયાન મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર માટેની યોજના લાવવા જણાવ્યું હતું.