ત્રણ મહિનાના વેકેશન પછી સંસદ ખૂલવાની હતી
બે અધિકારીઓને સામાન્ય ઈજા, આતંકી હુમલાની જવાબદારી કોઈ સંગઠને ઉઠાવી નથી: ગૃહ મંત્રાલય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટર્કીની રાજધાની અંકારામાં સંસદ પાસે રવિવારે એક આતંકી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ અધિકારીને ઈજા પહોંચી છે. સંસદ બહાર બે હુમલાખોરો એક કમર્શિયલ વાહનમાં આંતરિક મંત્રાલયના સુરક્ષા મહાનિદેશાલયના પ્રવેશ દરવાજા સામે પહોંચ્યા હતા. એક હુમલાખોરે અહીં પોતાની જાતને ઉડાવી દીધી હતી જ્યારે બીજા હુમલાખોરને પોલીસે ઠાર કર્યો હતો. ટકના આંતરિક મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, દેશની સંસદ પર આત્મઘાતી હુમલામાં એક આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી જ્યારે બીજો આતંકી પોલીસના ગોળીબારમાં માર્યો ગયો છે. આ આતંકી હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે. ટર્કીના મીડિયા મુજબ આતંકીઓએ જે વિસ્તારને નિશાન બનાવ્યો છે ત્યાં તુર્કીયેની સંસદની સાથે અન્ય અનેક મંત્રાલયો પણ છે. તુર્કીયેની સંસદ લગભગ ત્રણ મહિનાની ઉનાળુ રજાઓ પછી પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગનના સંબોધન પછી ખુલ્લી મુકાવાની હતી તે પહેલાં જ આ આત્મઘાતી હુમલો થયો હતો.
ટર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ કહ્યું હતું કે, ’આપણા પોલીસ અધિકારીઓએ તેમની આંતરસુઝથી આતંકી હુમલો ખાળ્યો છે. આતંકવાદ, તેમના કાવતરાંખોરો, ડ્રગ ડીલર્સ, ગેન્ગ, અને સંગઠિત ગુનાઓ સામે આપણી લડત ચાલુ રહેશે.’ જોકે, ગૃહમંત્રી આ હુમલા પાછળ કોનો હાથ હતો તે અંગે કોઈ માહિતી આપી નહોતી. બીજીબાજુ કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ટર્કીમાં ભૂતકાળમાં કુર્દિશ અને ડાબેરી આતંકી જૂથો તેમજ ઈસ્લામિક સ્ટેટ જૂથો આતંકી હુમલા કરતા રહ્યા છે.