ખાસ-ખબર સંવાદદાતા
પોતાની લાંબા સમયથી પડતર જુદી જુદી માંગણીઓ સંદર્ભે અવારનવાર સરકારમાં અને સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રાજકોટ જિલ્લા મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા આગામી તા. 1 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા આ સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે.

જો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી તારીખ 1 થી કોટડા સાંગાણી પડધરી ઉપલેટા ધોરાજી જેતપુર ગામ કંડોરણા સહિત રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં મધ્યાન ભોજન યોજનાના રસોડાઓને તાળા લાગી જશે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ અમે અમારા પ્રશ્નો માટે ભૂતકાળમાં અનેક વખત આવેદનપત્ર, પ્રતિક ધરણા, ઉપવાસ જેવા આંદોલનના કાર્યક્રમો કર્યા છે. પરંતુ આમ છતાં પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી અને તેથી હવે નાછૂટકે હડતાલ પર જવાની અમને ફરજ પડી છે. પગાર વધારા સહિતના અમારા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મધ્યાન ભોજન યોજનાના તમામ કેન્દ્રો બંધ રહેશે.