ઓપ ઇન્ડિયા, ગુજરાતી
આગામી સુનાવણી 18 જૂને, નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની હતી ફિલ્મ
- Advertisement -
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી પર બુધવારે (13 જૂન) સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
યશરાજ ફિલ્મ્સ નિર્મિત ફિલ્મ ‘મહારાજ’ શુક્રવારે (14 જૂન) OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી હતી, પરંતુ તે પહેલાં બુધવારે ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો મનાઈહુકમ આપીને રોક લગાવી દીધી છે. આ મામલે હવે આગામી સુનાવણી 18 જૂનના રોજ હાથ ધરવામાં આવશે, ત્યાં સુધી ફિલ્મ આવી શકશે નહીં.
ફિલ્મ 1862ના ‘મહારાજ લાયબલ કેસ’ પર આધારિત છે. ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન ડેબ્યૂ કરી રહ્યો છે અને સાથે જયદીપ અહલાવત, શાલિની પાંડે વગેરે અભિનેતાઓએ કામ કર્યું છે. મૂળ વાર્તા જાણીતા ગુજરાતી પત્રકાર અને લેખક સૌરભ શાહની આ જ નામ ધરાવતી ગુજરાતી બેસ્ટસેલર નવલકથા પરથી લેવામાં આવી છે. પરંતુ ફિલ્મ જાહેર થતાંની સાથે જ તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો અને તેની રિલીઝ પર રોક લગાવવાની માંગ સાથે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા.
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી પર બુધવારે (13 જૂન) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દલીલો એવી કરવામાં આવી હતી કે 1862ના મહારાજ લાયબલ કેસ પર આધારિત ફિલ્મ સમાજમાં અશાંતિ સર્જી શકે છે અને તેનાથી હિંસા પણ થવાની શક્યતા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું કે ફિલ્મ કોઇ પણ પ્રકારના પ્રમોશન કે ટ્રેલર વગર રિલીઝ કરવામાં આવી રહી છે.
અરજદારો તરફથી કોર્ટમાં વકીલે કહ્યું કે, ફિલ્મ OTT પર રિલીઝ થઈ રહી છે પરંતુ તેમાં પણ 2021ના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો અને સેલ્ફ રેગ્યુલેશન કોડનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જો ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે. તેમજ જે નુકસાન થશે તેની ભરપાઈ પછી કોઇ રીતે ન થઈ શકે. જેથી કોર્ટ આ બાબત ઉપર વિચાર કરે.
- Advertisement -
કોર્ટે દલીલો સાંભળ્યા બાદ નેટફ્લિક્સ, યશરાજ ફિલ્મ્સ, સેન્ટ્રલ બોર્ડ ઑફ સર્ટિફિકેશન અને IT મંત્રાલયને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી 18 જૂન ફિલ્મ રિલીઝ કરવા પર હંગામી ધોરણે સ્ટે મૂકી દીધો છે. ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે અને તેની ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ રહી છે. ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે.
જોકે, મૂળ કથાના લેખક અને ફિલ્મ સાથે સંકળાયેલા અન્યોનું કહેવું છે કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી ધર્મ કે કોઇ સંપ્રદાયનું અપમાન થાય, જેથી પહેલાં ફિલ્મ જોવામાં આવે તે જરૂરી છે.