શ્રીલંકામાં આર્થિક સંકટની વચ્ચે નવા રાષ્ટ્રપતિની ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાને જલ્દી જ નવા રાષ્ટ્રપતિ મળશે. સંસદના સ્પીકર મહિંદા યાપા અભયવર્ધને જણાવ્યું કે, દેશમાં 20 જુલાઇના નવા રાષ્ટ્રપતિની ચુંટણી થશે.
આ પહેલા ગોટબાયા રાજપક્ષે 13 જુલાઇના રાજીનામું આપશે. 15 જુલાઇના સંસદનું સત્ર બોલાવવામાં આવશે. જણાવી દઇએ કે, રાજપક્ષે અત્યારે ઔપચારિક રીતે રાજીનામું આપ્યું નથી, અને તેઓ ક્યાં છે, તેમની જાણકારી કોઇ પાસે નથી.
- Advertisement -
શ્રીલંકા છેલ્લા 3 મહીનાથી આર્થિક અને રાજનૈતિક સંકટથી ઘેરાયેલું છે. લોકો રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટને સંભાળી ના શકનાર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નિવાસ સ્થાનોમાં પ્રદર્શનકારીઓ ઘુસી ગયા હતા. નિવાસ સ્થાન પરથી પ્રદર્શનકારીઓના કેટલાક ફોટો પણ સામે આવ્યા છે. રવિવારના એક વિડિયો પણ સામે આવ્યો જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં કોઇ ગુપ્ત દરવાજો હોવાની વાત પણ સામે આવી. પ્રદર્શન કરી રહેલા લોકોએ દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ આ જ ગુપ્ત રસ્તામાંથી પોતાનો જીવ બચાવીને ભાગ્યા હશે.
જયારે રાષ્ટ્રપતિ રાજપક્ષે અને વડાપ્રધાન વિક્રમસિંહના રાજીનામાની વાત પર સહમતી પછી વિપક્ષના દળોએ રવિવારના રોજ મીટીંગ બોલાવી અને સર્વદળીય સરકાર રચવાની જાહેરાત કરી છે. સ્પીકર મહિંદા યાપા અભયવર્ધને કહ્યું કે, 13 જુલાઇના રાજપક્ષેનું રાજીનામું મળ્યા પછી, રાષ્ટ્રપતિની જાહેરાત પછી 15 જુલાઇના રોજ સંસદની બેઠક બોલાવવામાં આવશે. ત્યાર બાદ 19 જુલાઇના ફરીથી નામાંકન સ્વીકારવા માટે એક બેઠક બોલાવવામાં આવશે. નવા રાષ્ટ્રપતિની ચુંટણી માટે 20 જુલાઇના સંસદીય મતદાન થશે.