ટેસ્ટ ક્રિકેટમાંથી આઘાતજનક નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, વિરાટ કોહલી 13 મેના રોજ પત્ની અનુષ્કા શર્મા સાથે ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. આ દંપતીએ તેમના આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે વૃંદાવન ધામની મુલાકાત લીધી હતી, પ્રેમાનંદ મહારાજે કોહલી અને અનુષ્કા સાથે લગભગ 15 મિનિટ સુધી વાત કરી. જોકે કોહલી આ આશ્રમમાં લગભગ 2 કલાક રોકાયો હતો. આ પહેલી વાર નથી જ્યારે કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હોય. અગાઉ, તેઓ વર્ષ 2023માં અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ વૃંદાવનની મુલાકાતે આવ્યા હતા.
કોહલીની પવિત્ર શહેરની મુલાકાત તેમના મનપસંદ ફોર્મેટથી દૂર રહેવાના નિર્ણય અંગે વ્યાપક પ્રતિક્રિયાઓ વચ્ચે આવી હતી. 35 વર્ષીય ખેલાડીએ BCCIને તેમની નિવૃત્તિ યોજનાઓ વિશે અગાઉથી જાણ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે બોર્ડના એક વરિષ્ઠ અધિકારી તેમને ચાલુ રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ખાસ કરીને 20 જૂનથી શરૂ થનારા ઇંગ્લેન્ડના આગામી પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે.
એક દિવસ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી કુલ 14 વર્ષની હતી, જેમાં તેણે 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં 30 સદી સાથે 9230 રન બનાવ્યા હતા. 36 વર્ષીય વિરાટ કોહલી છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.
કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પસંદગીકારો આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. તમને જણાવી દઈએ કે કોહલીએ ગયા વર્ષે જ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.