યુવા સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા બનાવ્યા

કોંગ્રેસમાં ‘લેટર બોમ્બ’ના કારણે ખૂબ વિવાદ થઇ રહ્યો છે. કોંગ્રેસમાં નવા અધ્યક્ષ માટે ચર્ચા ચાલી રહી છે ત્યારે સોનિયા ગાંધીએ મોટા નિર્ણય લીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં કોંગ્રેસ દળમાં મોટા ફેરફાર કર્યા છે. અસમથી પાર્ટીમાં યુવા સાંસદ ગૌરવ ગોગોઈને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા બનાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે પ.બંગાળથી પાર્ટીનાં સાંસદ અધીર રંજન ચૌધરી લોકસભાનાં નેતા છે.

આ સિવાય પંજાબમાં પાર્ટીના યુવા સાંસદ રવનીત સિંહ બીટ્ટૂને વ્હીપ બનાવી દેવાયા છે. નોંધનીય છે કે સંસદમાં કે. સુરેશ લોકસભામાં ચીફ વ્હીપ છે અને તેમની સાથે સાથે ગૌરવ ગોગોઈ અને મણિક્કમ ટેગોર પાર્ટીના વ્હીપ હતા. ગૌરવ ગોગોઈની જગ્યાએ રવનીત સિંહ બીટ્ટૂ પાર્ટીના વ્હીપ બન્યા છે. કમલનાથ અને અમરિંદર સિંહ લોકસભામાંથી ગયા બાદથી કોંગ્રેસમાં ઉપનેતાનું પદ ખાલી પડ્યું હતું. નોંધનીય છે કે લોકસભામાં શશી થરુર અને મનીષ તિવારી પણ સાંસદ છે જેમણે હાલમાં સોનિયા ગાંધીને આપવામાં આવેલ પત્રમાં હસ્તાક્ષર કર્યા છે. આ બંને નેતાઓના નવી નિયુક્તિઓમાં ક્યાય નામ જ નથી.