ખાસ-ખબર સંવાદદાતા
65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓનું જઇ લતું રશિયન સેનાનું પરિવહન વિમાન યુક્રેન પાસેના રશિયન વિસ્તારમાં ક્રેશ થઇ જતાં તેમા સવાર કુલ 74નાં મોત થયા છે તેમ ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું છે. બેલગોરોદ વિસ્તારમાં બનેલી ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે વિમાનમાં કેટલા યાત્રીઓ સવાર છે અને તેઓ કોણ છે તેની માહિતી આપી નથી. જો કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા વિમાનમાં યુક્રેનની સેનાના 65 સૈનિક સવાર હતાં જેમને એક્સચેન્જ માટે બેલેગોરોદ લઇ જવામાં આવી રહ્યાં હતાં. વિમાનમાં 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ સવાર હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ ફૂટેજ અનુસાર આકાશમાંથી વિમાન એક ગ્રામીણ વિસ્તારમાં પડયું હતું અને જમીન સાથે ટકરાયા પછી તેમાંથી મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી.
આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ મૂક્યો છે કે યુક્રેનિયન દળોએ આ રશિયન સેનાનું પરિવહન વિમાન તોડી પાડયું છે.રશિયાના બે વરિષ્ઠ સાંસદોએ પણ પુરાવા વગર આરોપ મૂક્યો છે કે યુક્રેનિયન દળોએ મિસાઇલની મદદથી આ વિમાન તોડી પાડયું છે. વિમાન ક્રેશ થયું તેના થોડાક જ સમય પહેલા બેલગોરોદના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે પોતાની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે વિસ્તારમાં મિસાઇલ એલર્ટ જારી કરવામાં આવી હતી અને રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી હતી.
રશિયાનું વિમાન ક્રેશ: યુક્રેનના 65 યુદ્ધ કેદી સહિત 74નાં મોત
