-એક વર્ષ પછી પણ યુદ્ધ અટકવાના અણસાર નથી, બલકે પરમાણું યુધ્ધનો ખતરો પેદા થયો છે

-આશંકાથી વિપરીત યુક્રેન પુરી હિંમતથી રશિયાને હંફાવી રહ્યું છે, રશિયા પણ બોમ્બમારો કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યું

રશીયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરી 2022ના આક્રમણ કર્યું હતું. આજે આ આક્રમણને એક વર્ષ પુરૂ થઈ ગયા પછી યુધ્ધનો અંત નથી આવ્યો.બલકે આશંકાથી વિપરીત યુક્રેન આજે પુરી હિંમતથી રશીયાને જવાબ આપી રહ્યું છે તો રશીયા પણ દારૂગોળાના હુમલામાં કોઈ કસર નથી છોડી રહ્યું. આ યુધ્ધમાં હજારો લોકોનાં જીવ ગયા છે. અબજો રૂપિયા બરબાદ થયા છે તેમ છતાં આ યુધ્ધનો અંત દેખાતો નથી. આ યુદ્ધ દરમ્યાન ઈયુ અને નાટો દેશો યુક્રેનને સતત મદદ કરતા રહ્યા છે.

સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુકતનાં અનુસાર 12 ફેબ્રુઆરી, 2023 સુધીમાં રશીયા-યુક્રેન જંગમાં 7,199 નાગરીકોના મોત થયા છે તેમાં 438 તો બાળકો હતા આ સિવાય 11756 લોકો ઘાયલ થયા છે. જોકે આયોગે જણાવ્યું હતું કે વાસ્તવિક સંખ્યા આથી પણ વધુ હોઈ શકે છે.

ઝેલેસ્કીનો ભરોસો વધ્યો
ડિસેમ્બર 2021 સુધીમાં જનમત સર્વેક્ષણોમાં બહાર આવ્યું હતું કે માત્ર 27 ટકા યુક્રેનિયન લોકોએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર ભરોસો બતાવ્યો હતો. પણ ડીસેમ્બર 2022 સુધીમાં યુક્રેનિયનનો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પર 84 ટકા ભરોસો વધ્યો છે.

યુક્રેન સંકટની જી-20 ની કાર્યવાહી પર અસર પડશે
યુક્રેન પર રશીયાનાં હુમલાને એક વર્ષ પુરૂ થવાની પૂર્વ સંધ્યાએ યુરોપીય સંઘ (ઈયુ)ના રાજદુત ઉગો એસ્ટુટોએ ગુરૂવારે જણાવ્યું હતું કે આ સંકટની જી-20 ની કાર્યવાહી પર અસર પડશે. સાથે સાથે એ વાત પર પણ જોર દેવાયું કે કાર્યવાહીને સાર્થક બનાવવા માટે સમુહ ભારતની અધ્યક્ષ તા પર ભરોસો કરે છે.

જયારે બેંગલૂરૂમાં ગુરૂવારે જી-20 ની બેઠક પહેલા પત્રકારો સાથે વાતચીત દરમ્યાન અમેરીકાની નાણામંત્રી જેનેટ એલેને જણાવ્યું હતું કે રશીયાની અર્થ વ્યવસ્થા અલગ થલગ થઈ રહી છે. પ્રતિબંધોની અસર હવે જોવા મળી રહી છે. રશીયન સેના 9 હજાર ભારે સૈન્ય ઉપકરણોને બદલવા માટે સંઘર્ષ કરી રહી છે.જેને તેણે ફેબ્રુઆરીથી શરૂ થયેલ યુધ્ધ બાદથી ખોયુ છે.દાવો કરવામાં આવ્યો છે કે રશીયાનાં મહત્વના રક્ષા ઉત્પાદન કેન્દ્રોએ મંદીનો સામનો કરવો પડયો છે.

જંગમાં ચીન રશીયાની મદદ કરી શકે છે: નાટો પ્રમુખ
વોરઓ: નાટો પ્રમુખે જણાવ્યું હતું કે સૈન્ય ગઠબંધનને એ વાતના સંકેત મળ્યા છે કે યુક્રેન અને રશીયા વચ્ચેનાં યુદ્ધમાં ચીન મોસ્કોને મદદ કરવાની યોજના બનાવી શકે છે. તેમણે ચીનને આવી કોઈ હરકતથી દુર રહેવાની સલાહ આપી છે.જો ચીન આમ કરશે તો તે આંતર રાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાશે.

નાટો મહાસચીવ જેન્સ સ્ટોલટેનબેર્ગ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નાટો યુધ્ધનો ભાગ નથી પણ તે યુક્રેનનું સમર્થન કરશે. શું ચીન રશીયાને હથીયાર કે અન્ય મદદ કરવાની તૈયારી કરી શકે છે! તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે અમને કેટલાંક સંકેત મળ્યા છે કે આવી યોજના બનાવી શકે છે. ચીને રશીયાનાં ગેરકાયદે યુદ્ધનું સમર્થન ન કરવુ જોઈએ.

સરમત પરમાણુ મિસાઈલ તૈનાત કરશુ: પુતિન
મોસ્કો: રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને ગુરૂવારે જણાવ્યું હતું કે નવી સરમત આંતર ખંડીય બેલેસ્ટીક મિસાઈલને આ વર્ષે તૈનાત કરવામાં આવશે.સરમત મિસાઈલને પશ્ચિમ વિશ્લેષકોએ શૈતાન-2 તરીકે ઓળખાવી છે. આ અનેક પરમાણું હથીયાર લઈ જવામાં સક્ષમ છે અને તે રશીયાની નવી જનરેશનની મિસાઈલો પૈકીની એક છે.ક્રેમલીન દ્વારા જાહેર વિડીયોમાં તેમણે કહ્યું હતું કે સરમત મિસાઈલ સિસ્ટમના પહેલા લોન્ચરને યુદ્ધ ડયુટી પર રાખવામાં આવશે.

એક વર્ષમાં શું-શું ગુમાવ્યું?
– 2 લાખ રશીયન સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા
– 25 અબજ ડોલરથી વધુ મદદ અમેરિકા કરી ચૂકયુ
– 1 લાખ યુક્રેનના સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા.
– 1.4 કરોડ લોકોએ વિસ્થાપિત થવચ પડયુ
– 30 હજારથી વધુ નાગરિકોના મોત થયા.
– 8 લાખ કરોડ ડોલરનું યુક્રેનને નુકશાન
– 32 લાખ કરોડ ડોલરનું નુકશાન દુનિયાને થયુ
– 20 કરોડ લોકો ભૂખમરાના ખપ્પરમાં હોમાયા