ડિઝીટલ લેવડ-દેવડ માટે આરબીઆઈએ ત્રણ નવી પહેલ કરી છે. આ સેવાઓ શરૂ થયા બાદ 30 કરોડ નવા લોકો ડિઝીટલ પેમેન્ટ સાથે જોડાઈ જશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે ડિઝીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે ત્રણ નવી ડિઝીટલ પેમેન્ટની પહેલની શરૂઆત કરી છે.

મુંબઈમાં આયોજીત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2022માં આરબીઆઈ ગવર્નરે યુપીઆઈ પર રૂપે ક્રેડીટ કાર્ડ, યુપીઆઈ લાઈટ અને ભારત બિલ પે ક્રોસ-બોર્ડર બિલ પેમેન્ટ સોલ્યુશંસ સેવા લોન્ચ કરી છે. આ સેવાઓ શરૂ થયા બાદ 30 કરોડ વધુ નવા લોકો ડિઝીટલ પેમેન્ટની આ સીસ્ટમ સાથે જોડાઈ શકશે.

ગવર્નર દાસે લોન આપનારી એપ અને તેમના દ્વાર વસુલાતા ઉંચા વ્યાજને લઈને એલર્ટ કર્યા છે. રૂપે ક્રેડીટ કાર્ડની સાથે સાથે યુપીઆઈ લિંકથી કસ્ટમર્સ અને મર્ચન્ટ બન્નેને ફાયદો થશે. તેમાં કયુઆર કોડના માધ્યમથી કસ્ટમર્સ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

નાના મૂલ્યની લેવડ-દેવડ સરળતાથી યુપીઆઈ લાઈટના માધ્યમથી કરી શકાશે. ભીમ એપ પર યુપીઆઈ લાઈટથી ગ્રાહક ઓફલાઈન મોડમાં નાના મૂલ્યની લેવડ-દેવડ કરી શકશે.