આ દેશ શ્રી રામને આદર્શ માને છે. રાજા હોય તો રામ જેવા, પુત્ર હોય તો રામ જેવા, ભાઈ હોય તો ભરત જેવા, પત્ની હોય તો સીતા જેવા, સેવક હોય તો હનુમાન જેવા, મિત્રો હોય તો સુગ્રીવ – વિભીષણ જેવા, મંત્રી હોય તો જામવંત જેવા, પિતા પ્રેમ માટે દશરથ અને સ્ત્રી રક્ષક તરીકે જટાયુ, મંથરાની મુત્સદ્દીગીરી, કૈકેયીની રાષ્ટ્રકલ્યાણ માટેની કઠોરતા, કૌશલ્યાનું વાત્સલ્ય, ઉર્મિલાનું તપ, લક્ષ્મણની સેવા.. કેટકેટલું.. રામાયણનું એક-એક પાત્ર આદર્શ છે. રામાયણની પ્રત્યેક ઘટના આદર્શ છે. ભારતીયોના જીવ અને જીવનમાં રામ વસે છે. સનાતનીઓના રોમેરોમમાં રામ વસેલા છે. ભારતના દરેકેદરેક કણથી લઈ પર્યાવરણમાં રામ વસેલા છે. કોઈ શ્વાસ લે તો પણ રામ. કોઈ શ્વાસ છોડે તો પણ રામ. કોઈ મળે તો રામ કોઈ છોડીને જાય તો રામ રામ.. જો કોઈ ભૂલ થાય તો પણ હાય રામ. રામ નામ સાચું છે. જન્મમાં રામ, મૃત્યુમાં રામ, જીવનમાં રામ, સુખમાં રામ, દુ:ખમાં રામ. રામ જ મતિ છે અને રામ જ ગતિ છે. રામ જ પ્રગતી છે. જય શ્રી રામ..
ભારતીયોના જીવ અને જીવનમાં રામ વસે છે, સનાતનીઓના રોમેરોમમાં રામ વસેલા છે
- Advertisement -
શ્રી રામ અને જન્મભૂમિ તીર્થક્ષેત્ર.. આસ્થાથી લઈ ઐતિહાસિક તથ્યો સુધી..
શ્રી રામ મંદિરનો સંકલ્પ પૂર્ણ થયો, હવે રાષ્ટ્રભરમાં રામ રાજ્યની સ્થાપના થાય તેવો સંકલ્પ કરવાનો છે
શ્રી રામ ધર્મના મૂર્તિમંત સ્વરૂપ છે. તે ભારતનો આત્મા છે. શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય-દિવ્ય શ્રી રામ મંદિર ભારતીય માનસની શાશ્વત પ્રેરણા છે. તેને માટે શ્રી રામ ભક્તોએ 492 વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યો છે. ભૂતકાળના 76 યુદ્ધોનાં સંઘર્ષોમાં 4 લાખથી પણ વધારે રામભક્તોએ બલિદાનો આપ્યાં છે. લગભગ 36 વર્ષ સુધી એકસૂત્રતાથી શૃંખલાબદ્ધ વિવિધ અભિયાનોનાં ફળસ્વરૂપે સંપૂર્ણ સમાજે લિંગ, જાતિ, વર્ગ, ભાષા, સંપ્રદાય વગેરેના ભેદભાવની ઉપર ઉઠીને એકાત્મતભાવથી શ્રી રામ મંદિર માટે અપ્રતિમ ત્યાગ અને બલિદાનો આપ્યાં છે. આમ તો આસ્થાનો આ વિષય ન્યાયાલયની એક લાંબી પ્રક્રિયામાં (સત્ર ન્યાયાલયોથી સર્વોચ્ચ ન્યાયાલય સુધી) અટવાયેલો હતો. તદ્દઉપરાંત પૌરાણિક તથ્યો, પુરાતત્વ – ઉખનન, ભૂકમ્પીય તરંગ (રડાર)ની ફોટો પ્રણાલી તેમજ ઐતિહાસિક તથ્યોનાં આધાર પર ઉચ્ચ ન્યાયાલયના 5 સદસ્યોની પીઠે 9 નવેમ્બર 2019ના રોજ સર્વસંમતિથી એકમત થઈને નિર્ણય આપતાં કહ્યું કે, આ 14000 વર્ગ ફૂટ જમીન (ભૂમિ) શ્રી રામલલાની છે. સત્યનો સ્વીકાર થયો, તથ્યો અને પ્રમાણોની સાથે શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનો વિજય થયો.
- Advertisement -
ભારત સરકારે 5 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નામથી ન્યાસની રચના કરી અધિગ્રહીત 70 એકર ભૂમિ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને સોંપી દીધી. ત્યારપછી 25 માર્ચ 2020ના રોજ શ્રી રામલલા તિરપાલ મંદિરમાંથી પોતાના અસ્થાઈ નવા કાષ્ટમંદિરમાં પધાર્યા અને ત્યાં વિરાજમાન થયા. 5 ઓગષ્ટ 2020ના રોજ સદીઓથી સેવેલા સ્વપ્ન સંકલ્પની સિદ્ધિનું અલૌકિક મુહૂર્ત આવ્યું. જ્યાં પૂજ્ય મહંત નૃત્યગોપાલદાસજી સહિત દેશભરનાં વિભિન્ન આધ્યાત્મિક પરંપરાનાં પ્રતિનિધિ પૂજ્ય આચાર્યો, સંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી ડો. મોહનજી ભાગવતના પાવન સાન્નિધ્યમાં ભારતના જનપ્રિય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરી મંદિર નિર્માણનો શુભારંભ કર્યો. આ શુભ મુહૂર્તમાં દેશની 3000થી પણ અધિક પવિત્ર નદીઓ તથા તીર્થસ્થાનોનું જળ વિભિન્ન જાતિ, જનજાતિ, શ્રદ્ધાકેન્દ્રો તેમજ બલિદાન આપનાર કારસેવકોનાં ઘરેથી લવાયેલી રજે (માટીએ) સંપૂર્ણ ભારતને આધ્યાત્મિકરૂપથી ભૂમિપૂજનમાં સામેલ કર્યા. પૂજ્ય સંતોએ આહ્વાન કર્યું કે, શ્રી રામ જન્મભૂમિમાં દિવ્ય – ભવ્ય – નવ્ય મંદિર બનવાની સાથેસાથે પ્રત્યેકના હદયમંદિરમાં શ્રી રામ તથા તેમનાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા થાય. કારણ કે,
શ્રી રામ 14 વર્ષ સુધી ખુલ્લા પગે વનવન ફર્યા. સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યા. તેમણે વંચિત, ઉપેક્ષિત મનાતા લોકોને આત્મીયતાથી ગળે લગાવ્યા. પોતાપણાની અનુભૂતિ કરાવી. તમામની મિત્રતા કરી. જટાયુને પણ પિતાતુલ્ય ગણી સન્માન કર્યું. નારીની ઉચ્ચ ગરિમાને પુન:સ્થાપિત કરી. અસુરોનો વિનાશ કરી આતંકવાદનો સમૂળગો નાશ કર્યો. રામરાજ્યમાં પરસ્પર પ્રેમ, સદ્દભાવ, મૈત્રી, કરુણા, દયા, મમતા, સમતા, બંધુત્વ, આરોગ્ય, ત્રિવિધ તાપવિહીન સર્વ સમૃદ્ધિ પૂર્ણ જીવન સર્વત્ર હતું. આજ છે રામરાજ્ય. હવે જ્યારે આજે ફરી સોમવારે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાધામમાં નવનિર્મિત રામ મંદિરમાં પોતાની જન્મભૂમિ પર ભગવાન શ્રી રામ લલ્લા બિરાજી રહ્યા છે ત્યારે હવે પછી આપણે બધાએ દૃઢ સંકલ્પ સાથે ભારતમાં રામ રાજ્યનું નિર્માણ થાય તેવો સંકલ્પ કરવાનો છે.