કબડ્ડી અને ખો-ખોના પ્રોત્સાહનને અદાણી સ્પોર્ટ્સલાઇનનો સહયોગ
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે, એમણે ગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટર સ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન રેડિયો મિર્ચી સાથે મળીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કર્યું છે. આજે રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાંથી કબડ્ડીની 32 ટીમ અને ખો-ખોની 16 ટીમોએ ભાગ લીધો હતો.
- Advertisement -
અદાણી સ્પોર્ટ્સલાઈનની ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ ગુજરાત જાયન્ટ્સ છે, જે 2017માં શરૂ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય કબડ્ડી અને ખો-ખો જેવી સ્વદેશી રમતને પ્રોત્સાહન આપીને ભારતની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાનો છે. સાથે-સાથે મહત્વાકાંક્ષી પ્રતિભાઓને તકો પણ પૂરી પાડવાનો છે. રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય ડો. વિવેક સિંહાએ સંસ્થાના યજમાનપદે યોજાઇ રહેલી સ્પર્ધા માટે રાજીપો વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યુ હતું કે કબડ્ડી અને ખો-ખો જેવી રમતને પ્રોત્સાહન મળશે અને વિદ્યાર્થીઓ આ રમત પ્રત્યે પણ આકર્ષણ જાગશે.
લિટલ જાયન્ટ્સ ટુર્નામેન્ટ એ શાળાના બાળકોનું ધ્યાન કબડ્ડી અને ખો-ખો જેવી રમતો તરફ દોરવાનો પ્રયાસ છે જેથી તેઓને આવી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. રાજકોટની 32 શાળાએ કબડ્ડી અને 16 શાળાએ ખો-ખોમાં ભાગ લીધો હતો. લિટલ જાયન્ટ્સ લીગમાં બે દિવસ શનિવાર અને રવિવાર દરમિયાન બે ટીમ કબડ્ડીની અને એક ટીમ ખો-ખોની જે વિજેતા થશે તે અંતિમ સ્પર્ધામાં અમદાવાદ ખાતે ભાગ લેશે. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમતની લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સના નામે રમે છે.