શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને તેને રોકવા માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યા હોવાના મોટા બણગા કોર્પોરેશન તંત્ર ફૂંકી રહ્યું છે. પરંતુ બીજીતરફ આ જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મહામારી વચ્ચે શહેરનાં વોર્ડ-14માં DDTને બદલે ચૂનાનો છંટકાવ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકે આ કૌભાંડનો પર્દાફાશ કરી તેનો વિડીયો પણ વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓ વીડિયોમાં દેખાય છે તે તો ચીઠ્ઠીના ચાકર છે, જોકે તેમને મળેલી સૂચનાઓનું તે પાલન કરી રહ્યા છે. અધિકારીઓ ડીડીટીના નામે ચૂનો પકડાવી દે અને તેનો તે લોકો છંટકાવ કરી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, છંટકાવ કરી રહેલા કર્મચારીઓને આ શું છે તે ખબર પણ નથી. તેમણે કહ્યું કે, અમને આ પાઉડર છે તે છાંટી આવો એવું કહેવાયું છે. આ પાઉડર છે કે ચૂનો તે વિશે અમને ખબર નથી. તો અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે, ઉપરથી DDTનો જથ્થો આવતો નથી. એટલે ચૂનાનો છંટકાવ કરી રહ્યા છીએ. ઉલટું અધિકારી વિડીયો ઉતારનારને કહે છે કે, આ પ્રશ્ન તમામ વોર્ડમાં છે, તમે જ ઉપર ફોન કરીને આ વાત કરી લેજો. અમારી પાસે ચૂનો આવ્યો છે એટલે છાંટીએ છીએ.

આજે કોર્પોરેશનનાં કર્મચારી સહિત જવાબદાર અધિકારીએ પણ વાતનો સ્વીકાર કરતા લોકોમાં અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે. અને ભયંકર રોગચાળામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે સિવિલ હોસ્પિટલની માફક વિડીયો વાયરલ કરનાર પર પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.