સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના બનેલા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના ચાર વખતના પ્રમુખ એવા સમીર શાહનો કારમો પરાજય થયો છે. સતત દસ દિવસ સુધી ચાલેલ મતદાન પ્રકિયા બાદ આજે થયેલ ગણતરીમાં સમીર શાહને ૧૩૦માંથી માત્ર ૨૨ મત મળ્યા છે જયારે ૧૦૦ મત સાથે કિશોરભાઈ વિરડીયા વિજેતા બનતા નવા પ્રમુખ તરીકેની કમાન સંભાળશે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે જામનગર ખાતે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં ચાર ચાર વખતના એસો. પ્રમુખ રહેલા સમીર શાહનો કારમો પરાજય થયો છે. કુલ ૧૩૦ મત પૈકી ૮ મત રદ થયા હતા. જ્યારે આ ચૂંટણીમાં વિજેતા બનેલા કિશોરભાઈ વિરડીયાને સૌથી વધારે ૧૦૦ મત મળ્યા છે.

જ્યારે સમીર શાહને માત્ર ૨૨ મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે એસો. માં રહેલા જુથવાદ અને ચૂંટણીનો મુદ્દો હાઇકોર્ટમાં પહોચ્યા બાદ આ જંગ પ્રતિષ્ઠાસમો બની ગયો હતો. આખરે ચાર ચાર વખતના પ્રમુખનો પરાજય થતાં આગામી કામમાટે નવા હોદ્દેદારો એસો.ની કમાંન સંભાળશે. એક સમયે સાતસો સભ્ય ધરાવતી આ સંસ્થામાં હાલ ૧૩૦ જ સભ્ય રહેતા આગામી સમયમાં સભ્ય વધુ ઉમેરી મોટું સંગઠન બનાવવાનું નેમ ચુંટાયેલ સભ્યએ વ્યક્ત કર્યો છે.