સામાન્ય રીતે પોલીસ અધિકારની વાત આવે એટલે એક સિરિયસ અને કડક વ્યક્તિત્વ આપણી નજર સામે આવી જતું હોય છે. પરંતુ હકીકત એ છે તહેવારો દરમિયાન પણ તેઓ આપણી સુરક્ષા માટે સતત તૈનાત રહેતાં હોય છે. આવા પોલીસ અધિકારીઓની પણ પોતાની એક અંગત જિંદગી હોય છે. તેમની જિંદગીના અનેક અજાણ્યા પાસાં હોય છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આ વાતને ધ્યાને લઈને ‘ખાસ ખબર’એ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે તેમના બાળપણથી લઈને કોલેજ સુધીની અનેક ખટ્ટમીઠી વાતો શેર કરી હતી.


નાનપણની સૌથી વધુ યાદગાર ક્ષણ કઈ?
CP મનોજ અગ્રવાલ : હું 3-4 વર્ષનો હતો ત્યારે મારા દાદીએ મારા માટે પોલીસનો યુનિફોર્મ બનાવ્યો હતો. જે આજે પણ મેં સાચવી રાખ્યો છે. આ ઉપરાંત સ્કૂલમાં મને ગણિત અને વિજ્ઞાન વિષય ખૂબ જ ગમતો. ઘરેથી કહેવામાં આવતું કે જો હું 100માંથી 100 માર્ક લઈ આવીશ તો મને ફાઈવ સ્ટાર મળશે અને એ ફાઈવ સ્ટાર માટે હું ખૂબ મહેનત કરતો અને અપેક્ષા પ્રમાણે માર્ક પણ લઈ આવતો.

તમે સ્કૂલમાં ઘણાં Sincere હશો?
CP મનોજ અગ્રવાલ : ધોરણ 2-3 સુધી ઘણાં ઓછાં માર્કસ આવતાં. પછી ફાધરે ટકોર કરી કે, ‘ભણશો નહીં તો શું કરશો?’ મારા પિતાની અન્ય શહેરમાં પોસ્ટિંગ થઈ હતી. પરંતુ તેમણે મારા ભવિષ્ય માટે થઈને તે કેન્સલ કરી હતી.

સ્કૂલમાં કયારેય શિક્ષક તરફથી પનિશમેન્ટ મળી છે ખરાં?
CP મનોજ અગ્રવાલ : ના, ના! પણ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું ત્યારે અખબારમાં માર્કસ જોયા તો તે ખૂબ જ ઓછા હતા. માતા-પિતા પણ ચિંતામાં હતાં કે હવે સારી કોલેજમાં એડમિશન નહીં મળે. પરંતુ જ્યારે સ્કૂલમાં રિઝલ્ટ જાહેર થયું તો ખબર પડી કે અખબારમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી અને હું તો ડિસ્ટિન્કશન સાથે પાસ થયો હતો.

સિવિલ સર્વિસમાં જોડાવવાનો વિચાર કઈ રીતે આવ્યો?
CP મનોજ અગ્રવાલ: મેં 20 વર્ષની ઉંમરે કાનપુરમાંથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગ પૂરું કર્યું હતું. તેના એક વર્ષ પછી મોટા ભાઈએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. જે પછી બધાએ મને પણ સિવિલ સર્વિસની તૈયારી કરવા સૂચવ્યું હતું.

કોલેજની યાદગાર ક્ષણ કઈ?
CP મનોજ અગ્રવાલ : મેં કોલેજમાં ચૂંટણી લડી હતી. આશ્ચર્યજનક રીતે મેં તેમાં બહુમતિ સાથે જીત મેળવી હતી.

કોલેજની ચૂંટણીમાં જે રીતે જીત મળી એ જોઈને ‘રાજનીતિ’માં આવવાનું મન ન થયું?
CP મનોજ અગ્રવાલ : ના, એ કોલેજનું છેલ્લું વર્ષ હતું. એટલે થયું વિદ્યાર્થીઓ માટે કંઈ સારું કરતો જાઉં. એ પહેલાં હું હોસ્ટેલ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યો હતો.

કારકીર્દિ દરમિયાન કોઈ એવો કેસ કે જેને તમે આજીવન નહીં ભૂલી શકો?
CP મનોજ અગ્રવાલ : એવા કેસ તો ઘણાં બધાં છે પણ વર્ષ 2001નાં ભૂકંપના બીજા દિવસે અમે કાટમાળ નીચે દબાયેલા 4-5 લોકોનો જીવ બચાવ્યો હતો. એ લોકો આજે પણ મારા સંપર્કમાં છે. એ કાટમાળમાં મોટા સ્લેબ હતાં જે માત્ર ક્રેઈનથી જ હટી શકે તેમ હતાં. તેથી ક્રેઈનને બોલાવવામાં આવી. રાત્રે 12:30 આસપાસ કામગીરી શરૂ થઈ અને તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મારું માનવું છે કે તમે આજે જેમના માટે કામ કરો છો તે તમને કાયમ‌ માટે યાદ રાખે છે.

નવરાશના સમયે તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમે?
CP મનોજ અગ્રવાલ : આમ, તો મને રમતગમત ખાસ કરીને બેડમિન્ટન રમવું ખૂબ ગમે પણ હમણાં પેનડેમિકને કારણે એ શકાય નથી. તેથી યોગા અને પ્રાણાયામ કરું છું. બાકી અત્યારે પેનડેમિકને લીધે માંડ 4-5 કલાક મળે છે.

દિવસ દરમિયાન માંડ 4-5 કલાક મળે છે તો ક્યારેય મોરાલ ડાઉન નથી થતો?
CP મનોજ અગ્રવાલ : મારા માટે ડ્યુટી એ જ ધર્મ છે. કોઈ માટે કંઈક કરી શકું અને જ્યારે તેઓ ખુશીના બે બોલ પણ વ્યક્ત કરે તો તે પણ ઘણું છે. આવા લોકો પાસેથી જ મને કામ કરવાનું મોટીવેશન મળે છે.

તમારું ફેવરિટ ફૂડ કયું?
CP મનોજ અગ્રવાલ : અત્યારે તો લોકડાઉન દરમિયાન જેમ‌ અન્ય લોકોએ યુ ટ્યુબની મદદથી કુકીંગ કલા વિકસાવી તેવું જ મારા ઘરે પણ જોવા મળ્યું. તેથી હમણાં તો દર અઠવાડિયે નવી 2-3 ડીશનો આનંદ માણું છું.
બોક્સ : ‘આ તમને ખબર છે?’

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં માને છે. તેમણે ટેકનોલોજીના ઉપયોગ થકી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું મૂલ્યાંકન ઓનલાઇન કરવાનો પ્રારંભ કર્યો છે. જેમાં દરેક પોલીસ અધિકારીને પોતાની કામગીરી વિશે ઓનલાઇન અપડેટ કરવાનું રહે છે અને આ રીતે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ, કરવાથી ખરાં અર્થમાં પોલીસ અધિકારીને પણ પ્રોત્સાહન મળે છે. તમામ અધિકારીઓને આવી અવનવી ટેકનોલોજીથી અવગત કરતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 1 વર્ષ પહેલાં મહિલાઓની સુરક્ષા માટે લેડી કોન્સ્ટેબલ સાથે મળીને ‘દુર્ગાશક્તિ’ની શરૂઆત કરી હતી. તેમના કહેવા મુજબ રાજકોટમાં શરૂ કરેલી આ પહેલ તેમને આજીવન યાદ રહેશે.