દેશમાં રોજ રેપની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં મિતલ કેશુભાઈ પરમાર નામની કિશોરીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમે જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરીએ છે. એક કિશોરીએ કહ્યું હતું કે ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતી-કિશોરીઓ કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહી હતી અને હથિયારનાં લાઈસન્સ આપવા માગ કરી હતી.
- હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવા અને લાઇસન્સ આપવા માગ કરી
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે એક ફોન કરવાથી ટીમ આવી રક્ષણ કરે એ બધી બાબત હવે સપના સમાન બની ગઈ છે. હવે લાગે છે કે સ્વરક્ષણ જ એક ઉપાય છે. આ ભારત દેશની હાલની સ્થિતિ અને પરિસ્થિતિને લઈ અમારા રક્ષણ માટે અમને લાગે છે કે અમારી પોતાની પાસે હથિયાર હોવું જોઈએ, આથી આગામી દિવસોમાં અમારામાંની કોઈ બહેન સાથે આવું કૃત્ય થાય એ પહેલાં અમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે અને હથિયાર રાખવા માટેનું લાઈસન્સ તાત્કાલિક ધોરણે આપો, જેથી આવા નરાધમોને અમે જાતે જ સરકારે આપેલા સ્વરક્ષણના હથિયારથી સજા આપી શકીએ.
મોટી સંખ્યામાં યુવતીઓ અને કિશોરીઓ પણ કલેક્ટર કચેરીએ હાજર રહી હતી અને બધાએ લાઈસન્સની માગ કરી.
- હથિયારનું લાઇસન્સ હોય તો આવી ઘટના સમયે આરોપીને હું પાડી શકુંઃ કિશોરી
મિતલ પરમાર નામની કિશોરીએ જણાવ્યું હતું કે સરકાર અમારું રક્ષણ કરી શકે એવું અમને હવે લાગતું નથી, આથી અમે અમારું રક્ષણ જાતે કરી શકીએ એ માટે અમે હથિયાર પાસે રાખી શકીએ, એનું લાઈસન્સ આપો. અમે સ્વરક્ષણ માટે લાઈસન્સ માગીએ છીએ, કારણ કે દિન-પ્રતિદિન રેપની ઘટના વધતી જ જાય છે. તાજેતરમાં જ હાથરસમાં ગેંગરેપની ઘટના બની, કાલે બીજે ક્યાંય હોઈ શકે અને હું પણ ભોગ બનું એનો મને ડર છે. હથિયારનું લાઈસન્સ હોય તો આવી ઘટના સમયે આરોપીને હું પાડી શકું. અમારી રજૂઆત એટલી જ છે કે હવે અમારું સ્વરક્ષણ અમને જાતે જ કરવા દો. લાઈસન્સની પરવાનગી ન મળે તો સરકાર અમારી જવાબદારી લે. - આ કિશોરીએ સ્પષ્ટ કહી દીધું, મને કાયદાના પાઠ ન ભણાવશો.
- નેતાઓ પ્રજાને બદલે આરોપીઓનું રક્ષણ કરી રહ્યા છેઃ કિશોરી
એક કિશોરીએ જણાવ્યું હતું કે અમે દીકરીઓ આ દેશમાં સુરક્ષિત નથી, એટલે અમે હથિયાર પાસે રાખી શકીએ એ માટેની પરમિશન લેવા આવ્યા છીએ. હાલ રેપ, હત્યાઓની ઘટના વધતી જાય છે ત્યારે અમારી સુરક્ષા અમે જાતે જ કરીશું, કારણ કે સરકાર અમારી સુરક્ષા કરી શકે તેમ નથી. જનતાનું રક્ષણ જે-તે નેતાઓના હાથમાં હોય છે, પરંતુ અહીં ઊલટું જ છે. નેતાઓ જ આરોપીઓનું રક્ષણ કરે છે. અમે અમારું રક્ષણ જાતે જ કરીશું એટલે કાયદાકીય રીતે અમને હથિયાર સાથે રાખવાની પરવાનગી આપો. ભારત સરકારથી કંઈ ન થાય તેમ હોય તો અમને કહી દો અને અમે અમારું રક્ષણ જાતે જ કરી લઈશું. તમે અનેક ફૂલનદેવીને જગાડવાની કોશિશ ના કરો. મને કાયદાના પાઠ ન ભણાવશો. હું એ કોમમાંથી આવું છું, જેણે કાયદા બનાવ્યા છે. હું મારા સ્વભિમાન સાથે જીવીશ, નહીંતર મોતને મીઠું કરીશ.