બુટલેગરો પર પી.આઈ. ગોંડલીયાની બાઝ નજર
શહેરના મોકાજી સર્કલ પાસેથી વિદેશી અને 150 ફૂટ રિંગ રોડ પાસે દુકાનમાંથી ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં અવારનવાર રાજકોટ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે વધુ એક વખત શહેરના બે વિસ્તારોમાંથી દેશી અને વિદેશી દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર જુનુ ઓમનગર પિત્રોડા કાર કેરની સામે આવેલી દુકાનમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના ચપલા અને મોકાજી સર્કલથી જગન્નાથ મંદિર તરફ જતા રોડ પરથી ફોર વ્હીલ કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. બૂટલેગરો સામે પી.આઇ. ગોંડલિયાએ લાલ આંખ કરી છે. તેની પ્રશંસનીય કામગીરી બદલ ચોતરફ સરાહના થઇ રહી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) બી. બી. બસીયાએ પ્રોહિ.-જુગારના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ. એસ. ગરચર તથા તેમની ટીમને મળેલી સંયુક્ત હકીકત આધારે 150 ફૂટ રીંગ રોડ જુનુ ઓમનગર મે.રોડ પિત્રોડા કાર કેર નામની દુકાન સામે આવેલી દુકાનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. આમ રૂા. 65000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ મોકાજી સર્કલથી જગન્નાથ મંદિર તરફ જતા રોડ ઉપરથી પકડવાના બાકી આરોપીની ફોર વ્હીલ કારમાંથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી કુલ રૂા. 1,85,160નો મુદામાલ જપ્ત કર્યો છે. આમ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર એ. એસ. ગરચર, પી.એસ.આઈ. ડી. સી. સાકરીયા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ચોરીના ગુનામાં નાસતા ફરતા ઈસમ મુદ્દામાલ સાથે ઝડપાયો
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર બી. બી. બસીયાએ રાજકોટ શહેર વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ કરી મિલકત ચોરીના બનાવ અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ. મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા તથા જનકસિંહ ગોહિલને મળેલી સંયુક્ત હકીકત આધારે રાજકોટ શહેર ભાવનગર રોડ પી.ટી.સી. ગ્રાઉન્ડ પાસેથી ચોરીના મોબાઈલ નંગ 2 તથા ઈલેકટ્રીક પંપની બેટરી નંગ 1ના સાથે ઈસમ મળી આવતાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી વિજય રાયધન સોલંકી પાસેથી રૂા. 80000નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપીએ ચોરી અંગે કબૂલાત પણ આપી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ગોંડલીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર એ. એસ. ગરચર તથા પો.હે.કો. અનિલભાઈ સોનારા, નિલેશભાઈ ડામોર, જનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.