• 14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં એક દલિત યુવતી પર બળાત્કાર થયો હતો, 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું
  • પોલીસે મંગળવારે રાત્રે બળજબરીથી અંતિમ સંસ્કાર કરી દીધા હતા, પરિવારે કહ્યું હતું- તંત્ર દ્વારા દબાણ કરાઈ રહ્યું હતું

ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ગ્રેટર નોઈડામાં પોલીસે રોક્યા તો બંને કારમાંથી ઉતરીને પગે ચાલીને આગળ વધ્યા. થોડી વાર પછી પોલીસે ફરી રોક્યા તો ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. રાહુલે કહ્યું પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડી દીધો. હું પૂછવા માંગુ છું કે શું આ દેશેમાં માત્ર મોદીજી જ ચાલી શકે છે ? શું સામાન્ય માણસ ન ચાલી શકે. અમારી કારને રોકવામાં આવી હતી. એટલે અમે પગે ચાલવાનું શરૂ કર્યું. હું તે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માંગુ છું, તેઓ મને રોકી શકશે નહિ.

આખો મામલો શું છે?
હાથરસ જિલ્લાના થાણાના ચંદપા વિસ્તારના ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ 4 લોકોએ 19 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આરોપીએ મહિલાની કરોડરજ્જુ તોડી નાખી હતી અને તેની જીભ પણ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું. ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.