બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન 600 શરણાર્થી માટે મસીહા બન્યા હતા: 45 વર્ષમાં ભારતના પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ પોલેન્ડના પ્રવાસે છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 600 થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો.
- Advertisement -
પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. પોલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગઈકાલે વોર્સોમાં નવાનગર મેમોરિયલના જામ સાહેબની મુલાકાત લીધી હતી અને જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે, ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600 થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો.
પોલેન્ડ આજે પણ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને યાદ કરે છે. પોલેન્ડની રાજધાની વોર્સોમાં જામ સાહેબના નામે ગુડ મહારાજા સ્ક્વેર અને અન્ય મોટા સ્મારકો છે. બુધવારે પોલેન્ડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.
- Advertisement -
રોડ અને શાળાનું નામ:
પોલેન્ડે તેની રાજધાની વોર્સોમાં એક ચોકનું નામ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ પરથી રાખ્યું છે. તે ‘સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા’ તરીકે ઓળખાય છે. એટલું જ નહીં પોલેન્ડે જામનગરના મહારાજાના નામે એક શાળા પણ સમર્પિત કરી છે. પોલેન્ડે જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર કમાન્ડર ‘ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ’ ઓફ ધ રિપબ્લિક ઓફ પોલેન્ડ એનાયત કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં શું થયું?
1939માં જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરે સોવિયેત સંઘ સાથે મળીને પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પોલેન્ડના સૈનિકોએ 500 મહિલાઓ અને 200 જેટલા બાળકોને એક જહાજમાં બેસાડી દરિયામાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે તેમને કોઈપણ દેશમાં લઈ જાઓ, જે પણ દેશ તેમને આશ્રય આપશે.
પછી આ જહાજ ઘણા દેશોમાં ગયું, પરંતુ કોઈએ તેમને આશ્રય આપ્યો નહીં. અંતે વહાણ ગુજરાતના જામનગરના કિનારે પહોંચ્યું ત્યાર બાદ જામનગરના તત્કાલીન મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે બધાને આશ્રય આપ્યો.
શરણાર્થીઓ માટે મહેલના દરવાજા ખોલી નાખ્યા :
મહારાજાએ તે તમામ શરણાર્થીઓ માટે પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. કહેવાય છે કે 9 વર્ષ સુધી મહારાજા જામ સાહેબે પોલેન્ડના તમામ શરણાર્થીઓની સંભાળ લીધી. રાજ્યની સૈનિક શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શરણાર્થીઓમાં એક બાળક મોટો થયો અને પોલેન્ડનો પીએમ બન્યો.
દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા 1933 થી 1948 સુધી નવાનગરના મહારાજા જામ સાહેબ હતા. 2016 માં, તેમના મૃત્યુના 50 વર્ષ પછી, પોલેન્ડની સંસદે સર્વસંમતિથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલિશ બાળકોના શરણાર્થીઓને મદદ કરવા બદલ તેમનું સન્માન કરતો એક વિશેષ ઠરાવ પસાર કર્યો હતો.