જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પાણી, લાઇટ, આરોગ્ય, સફાઇ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ડોમ તૈયાર કરવા સહિતની વ્યવસ્થાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
- Advertisement -
ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.17 થી તા.21 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મેળાના ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. માધવપુર ઘેડના મેળા ના આયોજન માટે સ્થાનિક તેમજ તાલુકા સ્તરે પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી અધિકારીઓને મેળાના સુચારું આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માધવપુર ઘેડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પાણી, લાઇટ, આરોગ્ય, સફાઇ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ડોમ -પંડાલ તૈયાર કરવા વગેરે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું સાંસ્કૃતિક કાર્યક્રમ અને કારીગરોને ના સ્ટોલ સહિતના આયોજન થાય છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરતો આ મેળો ર018 થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની રાજકુમારી રૂક્મણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. માધવરાય મંદિર ખાતે તેમજ ચોરી માયરા, રૂક્ષ્મણી મંદિર ખાતે પણ પરંપરા મુજબ વિવિધ પ્રસંગો, શોભાયાત્રા સહિતના માંગલિક દિવ્ય પ્રસંગો યોજાય છે. માધવપુર ખાતે વિવિધ કાર્યક્રમો બાદ અંતિમ દિવસે દ્વારકા ખાતે પણ મેળાના ભાગરૂપે સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ‘બારાત’ થી ‘બિદાઇ’ સુધીની આ આનંદ દાયક અને પવિત્ર લગ્નવિધિને પૂન: તાદૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે. માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમાળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ આનંદ અને ઉત્સાહથી લોકો માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ સહિતની સગવડો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, અને આ મેળાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.