ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરની માધવાણી કોલેજ નજીક ગઈકાલે રાત્રે એક કાર પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનો સવાર હતા અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકની હાલત ગંભીર બનતાં વધુ સારવાર માટે રાજકોટ રેફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નરસંગ ટેકરીથી થોડા અંતરે માધવાણી કોલેજ તરફ જતા માર્ગ પર જીજે 25 જે 0460 નંબરની બ્લેક કલરની સ્કોડા કાર અચાનક ડીવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં બોખીરા ગામના અભય બચુભાઈ કારાવદરા અને યશ ભરતભાઈ ઓડેદરા સહિત કુલ ચાર લોકો સવાર હતા. જેમાં અભય કારાવદરાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને પોરબંદર સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક રાજકોટ રેફર કરાયો છે. અકસ્માતની જાણ થતાં તુરંત 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શરુઆતની વિગતો મુજબ કારની ઝડપ વધુ હોવાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે.